કોલેજોમાં ભણતા ૮૦ ટકા વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરીના કોર્સની જાણકારી નથી
વડોદરાઃ કોર્પોરેટ જગતમાં કંપની સેક્રેટરીનો રોલ મહત્વનો હોય છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ કંપની સેક્રેટરીની ડિગ્રીનું આગવું મહત્વ હોય છે.આમ છતા કોલેજોમાં અભ્યાસ કરતા ૮૦ ટકા વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરી એટલે શું તેની જાણકારી નથી.
ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના પ્રમુખ મિતુલ સુથારનું કહેવું છે કે, ૨૦૨૪ના વર્ષ દરમિયાન સ્કૂલોમાં ધો.૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભણતા બીકોમ, એમકોમ જેવા કોર્સના વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરીના કોર્સની જાણકારી આપવા માટે અમે વડોદરા, દાહોદ, નડિયાદ, આણંદ, વલ્લભ વિદ્યાનગરની કોલેજોમાં ૪૦ જેટલા કેમ્પ કર્યા હતા.જેમાં વિદ્યાર્થીઓને કંપની સેક્રેટરીનો હોદ્દો શું હોય છે, કંપનીમાં તેની ભૂમિકા શું હોય છે, આ કોર્સમાં કેવી રીતે પ્રવેશ લેવાનો હોય છે અને તેમાં કેટલા પેપરો ભણવાના હોય છે ..તેવી જાણકારી આપી હતી.ધ્યાન ખેંચનારી વાત એ હતી કે ૮૦ ટકા વિદ્યાર્થીઓને તો સીએસ અંગે કોઈ પ્રકારની જાણકારી જ નહોતા.કેટલાય વિદ્યાર્થીઓ તો એવુ માનતા હતા કે, કંપની સેક્રેટરી એટલે કંપનીના માલિકના પર્સનલ આસિસટન્ટ તરીકે કામ કરવાનું હોય છે.
તેમનું કહેવું છે કે, અમે ૯૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સીએસ અંગે જાણકારી પૂરી પાડી હતી.જેનો હેતુ વધારેને વધારે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં અભ્યાસ કરે તેવો હતો.અત્યારે ભારતમાં ૭૫૦૦૦ સીએસ કાર્યરત છે અને એક અંદાજ પ્રમાણે ૨૦૪૭ સુધીમાં ૧.૫૦ લાખ સીએસની દેશમાં જરુર પડવાની છે.વડોદરા ચેપ્ટરની વાત કરવામાં આવે તો દર વર્ષે ફાઉન્ડેશન પરીક્ષા થકી ૨૫૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓ સીએસનો અભ્યાસ કરવા માટે એડમિશન લેતા હોય છે.
કોસ્ટ એકાઉન્ટન્ટની ફાઉન્ડેશન પરીક્ષામાં વડોદરાનું ૭૩.૧૧ ટકા પરિણામ જાહેર
ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ દ્વારા ડિસેમ્બર ૨૦૨૪માં લેવાયેલી ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.જેમાં વડોદરા ચેપ્ટરનું ૭૩.૧૧ ટકા પરિણામ આવ્યું છે.મળતી વિગતો પ્રમાણે વડોદરામાંથી ૨૩૮ વિદ્યાર્થીઓએ કોસ્ટ એકાઉન્ટન્ટની ફાઉન્ડેશન પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા વડોદરા ચેપ્ટરનું પરિણામ ૭૩.૧૧ ટકા આવ્યું છે.
વડોદરામાં વેણુગોપાલ સુરેશ કુમારે ૪૦૦માંથી ૩૫૮ માર્ક સાથે પહેલો ક્રમ, સાક્ષી જતિનભાઈ પુરોહિતે ૩૧૮ માર્કસ સાથે બી જો ક્રમ અને રાઉલજી પાર્થસિંહ કરણસિંહે ૩૧૬ માર્કસ સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.