બીએડ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે બબાલ, વિદ્યાર્થીઓ અટવાયા, સરકાર અને યુનિ. વિરૂદ્ધ રોષ ભભૂક્યો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
Gujarat University


B.Ed Admission Process Unable to Verify and choice Filling for Students: ડોક્ટરનો અભ્યાસ કરવા માટેની NEET UG પરિક્ષામાં ગેરરીતિઓના વિવાદમાં વિદ્યાર્થીઓ સરકારી વ્યવસ્થા પર સવાલો ઉઠાવી રહ્યા છે, ત્યાં હવે બી.એડ-પીજી પ્રવેશ મુદ્દે પણ વિદ્યાર્થીઓમાં રોષ વધ્યો છે. કોમન સેન્ટ્રલાઈઝ્ડમાં સરકાર અને યુનિવર્સિટીની અસક્ષમતાથી વિદ્યાર્થીઓ અટવાયા છે. અને કોલેજો પણ શૈક્ષણિક સત્ર શરૂ થવાના આડે થોડા દિવસો બાકી હોવાથી મુંઝવણમાં મુકાઈ છે.

વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી

બી.એડ-પીજીનો અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પાસે Gcas પોર્ટલ પર રજિસ્ટ્રેશન તો કરાવી લીધુ છે. પરંતુ વિદ્યાર્થીઓના માર્ક્સથી માંડી સબ્જેક્ટનું વેરિફિકેશન- સબ્જેક્ટ ચોઈસ ફિલિંગ સહિતની કોઈ પણ સુવિધા સરકારના કોમન એડમિશન પોર્ટલમાં કે ગુજરાત યુનિ.ના સમર્થ પોર્ટલમાં નથી. જેથી હવે મેરિટ બનાવવા મુદ્દે મોટી મુંઝવણ ઉભી થઈ છે.

6800 જેટલા વિદ્યાર્થીઓ અટવાયા

સરકારના કોમન એડમિશન પોર્ટલ (Gcas) પર આ વર્ષે રાજ્યના 6800થી વધુ વિદ્યાર્થીએ બી.એડ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ કોલેજો, ડાયેટ કોલેજોથી માંડી ખાનગી બી.એડ સહિતની 56 કોલેજોની 6 હજાર જેટલી બેઠકો છે. બી.એડ માટેના કોમન રજિસ્ટ્રેશન બાદ સરકારે તો ગુજરાત યુનિવર્સિટીને મેરિટ બનાવીને ડેટા આપી દેવા આદેશ કરી દીધો પરંતુ ગુજરાત યુનિવર્સિટી મેરિટ બનાવી શકે તેમ નથી. કારણકે ગુજરાત યુનિ.દ્વારા કેન્દ્ર સરકારના જે સમર્થ પોર્ટલની મદદ લેવાઈ છે તે પોર્ટલમાં વિદ્યાર્થીઓના સબ્જેક્ટ ચોઈસની કોઈ ફેસિલિટી નથી.

કોમન પોર્ટલ પર એડમિશન માટે લાખો ખર્ચ પાણીમાં ગયો

ગુજરાત સરકારના કોમન એડમિશન પોર્ટલ-એજન્સીમાં પણ ચોઈસ ફિલિંગની સુવિધા નથી. સરકારે મોટા ઉપાડે કોમન એડમિશન પ્રક્રિયા શરૂ કરાવી વાહવાહી તો લઈ લીધી પરંતુ એડમિશન પ્રોગ્રામના કોઈ ઠેકાણા જ નથી. કોમન એડમિશન પોર્ટલ પાછળ કરવામાં આવેલો ખર્ચ પાણીમાં જતો નજરે ચડ્યો છે. બી.એડ પ્રવેશને લઈને યુનિવર્સિટી દ્વારા ગઈકાલે કોલેજોને મેઈલ કરીને મેરિટ બનાવવા જણાવી દેવાયુ હતુ. યુનિવર્સિટીએ સૂચના આપી કે કોલેજો મેરિટ બનાવીને યુનિ.ને આપે અને યુનિ. સરકારના Gcas પોર્ટલને આપે અને ત્યારબાદ Gcas માં પ્રવેશ ફાળવણી થાય. જો કે આ મુદ્દે કોલેજોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરીને મેરિટ બનાવવાની ના પાડી દીધી છે.

કોલેજો પાસે વિદ્યાર્થીઓની સબ્જેક્ટ મુજબની ચોઈસ-માર્કસનો કોઈ પણ એક્યુરેટ ડેટા નથી. એક એક કોલેજ માટે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ પસંદગી આપી હોવાથી આટલા બધા વિદ્યાર્થીઓનું સબ્જેક્ટ મુજબ મેરિટ કોલેજો બનાવી શકે તેમ નથી. દરેક કોલેજમાં ગુજરાતી, હિન્દી, એકાઉન્ટ સાયન્સ સહિતના વિવિધ વિષયોની પાંચ-પાંચ બેઠકો હોય છે અને જે મુજબ પ્રવેશ આપવો પડે છે. રાજ્યની કેટલીક યુનિ.એ કોલેજ પાસે મેરિટ તૈયાર કરાવ્યુ તો કેટલીક યુનિ.એ કોલેજમાં Gcas નું ફોર્મ લઈને વિદ્યાર્થીઓને મોકલ્યા છે અને કોલેજોએ મેરિટ બનાવી પ્રવેશ ફાળવ્યો છે. ગુજરાત યુનિ.માં કોલેજોના વિરોધ બાદ અંતે બી.એડ સેલ ઉભો કરવામા આવ્યો છે અને હવે યુનિ.ના બી.એડ સેલ દ્વારા મેરિટ બનાવીને સરકારના Gcas પોર્ટલને અપાશે અને ત્યારબાદ આગામી એકથી બે દિવસમાં પ્રવેશ ફાળવણી થશે.

  બીએડ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે બબાલ, વિદ્યાર્થીઓ અટવાયા, સરકાર અને યુનિ. વિરૂદ્ધ રોષ ભભૂક્યો 2 - image


Google NewsGoogle News