વડોદરામાં આરટીઈ હેઠળ 4800 બેઠકો પર પ્રવેશ અપાશે, ગત વર્ષ કરતા 1500 વધારે
Vadodara RTE Education : આરટીઈ એટલે કે રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં ધો. 1માં પ્રવેશ કાર્યવાહી જાહેરાત કરી દીધી છે. જે પ્રમાણે વાલીઓ તા.28 ફેબ્રુઆરીથી આરટીઈ હેઠળ પ્રવેશ લેવા માટે આરટીઈ ડોટ ઓઆરપી અને ગુજરાત ડોટ કોમ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ છે.
આ વખતે બોર્ડ પરીક્ષાની જેમ આરટીઈ હેઠળ પ્રવેશ માટેની કાર્યવાહી અગાઉના વર્ષો કરતા વહેલી શરૂ કરવામાં આવનાર છે. વડોદરામાં વાલીઓ માટે રાહતની વાત એ છે કે, આરટીઈ હેઠળ પ્રવેશ માટે આ વર્ષે 4800 જેટલી બેઠકો ઉપલબ્ધ થશે. ગત વર્ષે 3300 જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. આમ ગત વર્ષ કરતા આ વર્ષે 1500 વધારે બેઠકો પર પ્રવેશ મળશે તેમ ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યું હતું.
આરટીઈ હેઠળ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.1માં 25 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે. અગાઉના વર્ષમાં ધો.1માં જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોય તેના આધારે 25 ટકા બેઠકોની ગણતરી થતી હોય છે. આમ આ વર્ષે ધો.1માં 4800 જેટલી બેઠકો પર પ્રવેશ અપાશે. દર વર્ષે સરેરાશ 10000 જેટલી અરજીઓ પ્રવેશ માટે થતી હોય છે.
આરટીઈ હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાની સાથે કયા કયા આધાર પૂરાવા રજૂ કરવાના છે તેની જાણકારી પણ વાલીઓ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વાલીઓએ ફોર્મ ભરતી વખતે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પૂરાવો, જાતિ અથવા કેટેગરીનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્મકટેક્ષ રીટર્ન અથવા રીટર્ન ના ભર્યું હોય તેવા કિસ્સામાં સેલ્ફ ડિકલેરેશનની કોપી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ક્યાંય જમા નથી કરાવવાનું. તેની એક કોપી વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.