હોમસાયન્સની વિદ્યાર્થિનીએ ડ્રાઈવિંગ કરતી વખતે આરામ મળે તેવી રિક્ષાની સીટ ડિઝાઈન કરી
વડોદરાઃ વડોદરા શહેરમાં રોજી રોટી રળવા માટે હજારો લોકો રિક્ષા ચલાવે છે.કલાકો સુધી રિક્ષા ચલાવવાના કારણે કમરમાં દુખાવો થવાની ફરિયાદો પણ ઘણા રિક્ષા ચાલકો કરતા હોય છે.
હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટની વિદ્યાર્થિની હવે આ રિક્ષા ચાલકોની મદદે આવી છે. રિનુશા રાજન નામની વિદ્યાર્થિનીએ પોતાના ગાઈડ ડો.વાશિમા વીરકુમારના માર્ગદર્શન હેઠળ રિક્ષા ચાલકો માટે વધારે આરામદાયક પૂરવાર થાય તેવી અર્ગોનોમિક ડિઝાઈનવાળી સીટ બનાવી છે.
રિનુશા રાજન કહે છે કે, આ સીટ ડિઝાઈન કરતા પહેલા અમે ૧૨૦ રિક્ષા ચાલકોના ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેમાં અમને જાણવા મળ્યું હતું કે, સાત-આઠ કલાક સુધી રિક્ષા ચલાવવાથી તેમના કમરના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે.અત્યારે ચાલક માટે જે સીટ રિક્ષામાં ફિટ થયેલી હોય છે તેમાં ફેરફાર કરવાની જરુર પણ અમને લાગી હતી અને રિક્ષા ચાલકોની જરુરિયાતના આધારે અમે જે નવી સીટ ડિઝાઈન કરી છે તેમાં રિક્ષાચાલકોની ગરદનથી લઈને કમરથી નીચેના હિસ્સાને રાહત મળે તેનું ધ્યાન રાખ્યું છે.આ સીટમાં ઈવા ફોમ, હાઈ ડેન્સિટી ફોમ અને સોફ્ટ ડેન્સિટી ફોમ એમ ત્રણ પ્રકારના ફોમનો ઉપયોગ કર્યો છે.
વિદ્યાર્થિનીના ગાઈડ ડો.વાશિમા વીરકુમારના કહેવા પ્રમાણે કેટલાક રિક્ષા ડ્રાઈવરોને આ સીટ પર બેસાડવામાં આવ્યા હતા.તેઓ હવે આ સીટ રિક્ષામાં કાયમ માટે ફિટ કરાવવા પણ તૈયાર છે.જોકે હાલના તબક્કે તેના કોમર્શિયલ પ્રોડક્શન માટેનો કોઈ વિચાર નથી.દરમિયાન આજે યોજાયેલા એન્યુઅલ ડિસ્પ્લેમાં આ સીટને પ્રદર્શિત કરવામાં આવી હતી.