સુરતમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો: વેસુની ધો. 12 ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી હોટલ અને ઘરમાં વિધર્મીનું દુષ્કર્મ
- અભ્યાસના બદલે વિદ્યાર્થીની મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કરતા વિધર્મી સાથેના બિભત્સ ફોટો જોઇ ચોંકી ગઇઃ 19 વર્ષીય ટીનએજરની ધરપકડ
સુરત
શહેરના વેસુ વિસ્તારમાં રહેતી ધો. 12 ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ડુમ્મસ રોડની વિકેન્ડ એન્ડ એડ્રેસ હોટલ ઉપરાંત પોતાના ઘરે લઇ જઇ અનેક વખત દુષ્કર્મ કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસે દુષ્કર્મ કરનાર વિધર્મીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી છે. વિદ્યાર્થીની સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કરતા બિભત્સ ફોટા મળી આવતા પ્રેમસંબંધનો ભાંડો ફૂટયો હતો.
અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિધર્મી દ્વારા પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપી વિડીયો કોલમાં કપડા ઉતરાવવા ઉપરાંત સિગારેટ પીવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરવાના ચર્ચાસ્પદ કિસ્સાના ગણતરીના કલાકોમાં વધુ એક વિધર્મી દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પોલીસ ચોપેડ નોંધાયો છે. વેસુ વિસ્તારમાં રહેતી અને ધો. 12 માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને કોમન મિત્ર હસ્તક અશદ અલ્તાફ વિરાણી (ઉ.વ. 19 રહે. બી/2/02, લવલી પાર્ક, ડિવાઇન સ્કૂલની સામે, ઘોડદોડ રોડ, સુરત) સાથે મિત્રતા થઇ હતી.
મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા અશદ સગીરાને ફરવાના બહાને ડુમ્મસ રોડની વિકેન્ડ એડ્રેસ નામની હોટલ ઉપરાંત પોતાના ઘરે તથા તેણીના ઘરે મળવાના બહાને જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જો કે સગીરા ધો. 12 માં હોવાથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે મોબાઇલમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કર્યો હતો. જેમાં સગીરા અને અશદના બિભત્સ ફોટો જોઇ માતા ચોંકી ગઇ હતી અને તુરંત જ પરિવારને જાણ કર્યા બાદ ગત રાતે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.