અહો વિચિત્રમ : વાંચતા-લખતા નથી આવડતુ એવા બાળકોને સરકાર 'રોબોટિક્સ' શિખવાડશે
આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સી , સાયબર ક્રાઇમ , માઈક્રોચિપ , રોબોટિક્સ નામના ચાર પુસ્તકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગે ધરાર પધરાવ્યા
નસવાડી : છોટાઉદેપુર જિલ્લના ૬ તાલુકામાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના ધો.૧ થી ૮ ના બાળકોને અભ્યાસ ઉપરાંત આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ , સાયબર ક્રાઇમ , માઈક્રોચિપ , રોબોટિક્સ એમ ચાર વિષયો ભણાવવા માટેનો નવો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમની સાથે છોટાઉદેપુર જિલ્લામાં ઉપરોક્ત વિષયોના ૨,૦૦૦ સેટ મોકલી પણ આપવામાં આવ્યા છે અને તેનો ખર્ચ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (શાળા વ્યવસ્થાપન સમિતિ)માં પડી રહેલી ગ્રાન્ટમાંથી પાડવાની સૂચના પણ આપવામાં આવી છે.
જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર આમ ૬ તાલુકામાં ધો. ૧ થી ૫ ની ૮૦૦ શાળાઓ અને ધો. ૬ થી ૮ ની ૩૯૮ પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સી , સાયબર ક્રાઇમ , માઈક્રોચિપ , રોબોટિક્સ નામના ચાર પુસ્તકોના સેટ મોકલવામાં આવ્યા છે. દરેક શાળામાં ધો.૧ થી ૫ વચ્ચે એક સેટ અને ધો. ૬ થી ૮ વચ્ચે બે સેટ આપવાંમાં આવ્યા છે. આ પુસ્તકો ગાંધીનગરથી સીધી ખરીદી કરીને એક એજન્સી મારફતે મોકલવામાં આવ્યા છે. આ પુસ્તકો પ્રાથમિક શાળા ના બાળકો ને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. શિક્ષકો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક સેટની કિમતી રૃ.૭૦૦ છે. જે ડાયરેક્ટ એજન્સીને આપવાના છે અને તેનો ખર્ચ એસએમસીની ગ્રાન્ટમાંથી આપવાનો છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ૨,૦૦૦ સેટ મુજબ કુલ ૧૪ લાખનો ખર્ચ જિલ્લાની પ્રાથમિકશાળાઓએ પોતાની ગ્રાન્ટમાંથી એજન્સીને આપવાનો છે.
હવે મુળ મુદ્દો એ છે કે આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત ખરાબ છે. શાળાના મકાનો ખખડધજ છે, શિક્ષકોની ઘટ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાએ આવવા જવા વાહન વ્યવહારની સગવડ નથી. શિક્ષણનું સ્તર ખુબ નીચુ છે. ધો.૧ થી ૪ સુધીના બાળકોને તો લખતા-વાંચતા નથી આવડતુ. ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓને બે રકમના સરવાળામા તકલીફ પડે છે આવી સ્થિતિમાં લાખો રૃપિયાની ગ્રાન્ટ એવા પુસ્તકોમાં વેડફી નાખવાની કે જે વિદ્યાર્થીઓ માટે કામના નથી. આ ગ્રાન્ટનો ઉપયોગ શાળાના બિલ્ડિંગને આધુનિક બનાવવામાં અથવા અન્ય શૈક્ષણિક સુવિધા વધારવામાં કરી શકાય પરંતુ માર્ચ મહિના અંત પહેલા ગ્રાન્ટનો ઉપયોગ કરી નાખવાની હોવાથી કોઇ લાગતા વળગતાને વિશેષ ફાયદો કરાવવાના ઇરાદાથી શિક્ષણ વિભાગે આ પેતરો રચ્યો હોવાની ચર્ચા છે. કેમ કે જે વિદ્યાર્થીઓને લખતા વાચતા નથી આવડતુ તેમને રોબોટિક્સ અને સાયબર ક્રાઇમનું શિક્ષણ શું કામનું અને આ પ્રકારનું શિક્ષણ આપવા માટે જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકો પણ નથી.