વડોદરા ગેસ કંપની દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરીથી ગામડા જેવી પરિસ્થિતિ : ચૂલા પ્રગટાવવા પડ્યા
Vadodara Gas Limited : વડોદરા ગોરવા વિસ્તારના માળી મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી ગેસની લાઈન નાખવાના મુદ્દે તમામ મકાનોના કનેક્શન બંધ કરી દેવામાં આવતા અને રાંધણની અન્ય કોઈ બળતણની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને લાકડાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે એટલું જ નહીં અનેકવાર લોકોને બહારથી હોટલમાંથી જમવાનું મંગાવવાની ફરજ પડે છે જે અંગે સ્થાનિક રહીશોએ વડોદરા ગેસ કંપનીમાં રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ આવતો નથી.
વડોદરા ગેસ કંપની દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી ગેસ લાઇન તેમજ જૂની થઈ ગયેલી પાઇપલાઇનનો બદલવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં લોકોને ગેસનો પુરવઠો મળતો નથી જેથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા માળી મહોલ્લા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં જૂની થઈ ગયેલી ગેસની લાઈનો બદલવાનું કામ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહ્યું છે જેને કારણે અનેક લોકોના ગેસ કનેક્શનનો અચાનક જ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ અંગે વડોદરા ગેસ કંપનીમાં સ્થાનિક રહીશોએ વહેલી તકે ગેસ કનેક્શન ચાલુ કરવા માટે રજૂઆતો કરી છે છતાં પણ હજી કામગીરી અધુરી છે તેમ કહી કનેક્શન શરૂ કરવામાં આવતા નથી.
માળી મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી ગેસના કનેક્શન બંધ કરી દેવામાં આવતા ગામડા જેવી પરિસ્થિતિ સર્જાય છે લોકો પાસે રાંધણ ગેસ કે કેરોસીનની અન્ય વ્યવસ્થા નહીં હોવાથી ચૂલા બનાવી લાકડાથી ચા પાણી કે જમવાનું બનાવવાની પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે પરિવારજનો અને નાના બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે એટલું જ નહીં લોકોને અનેક વાર બહારથી હોટલમાંથી જમવાનું મંગાવવાની ફરજ પડી છે.