ઇકો ઝોનનો અમલ અટકાવો : તાલાલા તા.પં.ની સામાન્ય સભામાં મુદ્દો ઉઠયો
ગ્રામીણ પ્રજા અને ખેડૂતો માટે સૂચિત કાયદો આફતરૂપ હોવાનો સૂર : માધુપુર ગીર અને જાંબુર ગીર ગામને અલગ-અલગ ગ્રામ પંચાયત આપવાનાં અભિપ્રાય સાથે ગીર સોમનાથ જિલ્લા પંચાયતને દરખાસ્ત મોકલાઇ
તાલાલા, : તાલાલા પંથકમાં સૂચિત ઇકો સેન્સિટિવ ઝોન આવતો અટકાવો તેવી તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં માગણી ઉઠાવાઇ હતી. આ ઉપરાંત માધુપુર ગીર અને જાંબુર ગીર ગામને અલગ અલગ ગ્રામ પંચાયત આપવાનાં અભિપ્રાય સાથે ગીર સોમનાથ જિલ્લા પંચાયતને દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી.
તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ અનિલાબેન બારડ ના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસની ઉપસ્થિત યોજાઇ હતી. તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે આફત સમાન સૂચિત ઇકો સેન્સીટીવ ઝોન નો કાયદો આવતો અટકાવવા સામાન્ય સભામાં માંગણી કરવામાં આવી હતી.ઈકો ઝોન લાગુ થતા લોકોની ખેતી અને બિનખેતી કામગીરીમાં અનેક અવરોધ ઊભા થનાર હોય ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોની મુશ્કેલી વધી જશે માટે તાલાલા પંથકમાં ઈકો ઝોન આવતો અટકાવવા ઠરાવવામાં માંગણી કરવામાં આવી હતી.