કલ્પસર યોજનાનો અમલ કરી સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર અટકાવો, ભાજપ નેતાનો વડાપ્રધાન મોદીને પત્ર
Kalpsar scheme in Saurashtra : અમરેલી જિલ્લાનો કલ્પસર યોજનામાં સમાવેશ કરવા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે, સૌરાષ્ટ્ર પંથકના અમુક જિલ્લા અને તાલુકા નર્મદા આધારિત સિંચાઈ યોજનાઓના અમલીકરણમાં મૂકાયા છે, જ્યારે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ તથા સુરેન્દ્રનગર અને બોટાદ સહિતનો વિસ્તાર કલ્પસર યોજનાથી વંચિત છે. આ વિસ્તારના ખેડૂતો સિંચાઈનું પાણી, બોર અને કૂવા આધારીત ખેતી કરી શકે છે.
બાવકુભાઈ ઉંઘાડે વધુમાં જણાવ્યું હતું કે, ક્લ્પસર યોજનામાં 2022 સુધીમાં રિપોર્ટની કાર્યવાહી પૂર્ણ કરવાની હતી જે પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પ્રી ફિજિબિલિટી રિપોર્ટ સહિતના 44 રિપોર્ટ થઈ ચૂક્યા છે. જેથી હવે આ યોજનાનું તાત્કાલિક ખાતમૂહુર્ત થાય અને યોજના જાહેર થાય તે અંગે મેં માંગણી અને રજૂઆત કરી છે. તેમના મત મુજબ કલ્પસર યોજનાનો અમલ ન થતો હોવાથી સૌરાષ્ટ્રનો વિકાસ રુંધાઈ રહ્યો છે.
અમરેલી જિલ્લા સાથે ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટની ખેતીને વ્યાપક પણે ફાયદો થશે. જ્યારે અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત હોઈ અને હાલ અમરેલી જિલ્લામાંથી મોટેપાયે માઇગ્રેશન થયું છે. ત્યારે આ કલ્પસર યોજનાનુ6 અમલીકરણ થાય તો અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે. સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ગુજરાતનો રસ્તો ટૂંકો થાય તે માટેની આ યોજના છે, આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં જે માઇગ્રેશન વધી રહ્યું છે તે અટકી જાય અને રાજ્ય સમૃદ્ધ બનશે.
આ પણ વાંચો : પાલનપુરમાં ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, આવતીકાલે ઉદ્ઘાટન
રાજકોટ મોટાભાગના ઉદ્યોગોનું સેન્ટર છે જ્યારે જામનગર,સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જૂજ પ્રકારના ઉદ્યોગો છે. સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ગામડામાંથી સ્થળાંતર થઈ રહ્યું છે. અમદાવાદ, મુંબઈ, સુરત, બેંગલોર, હૈદરાબાદ તથા કેનેડા અને અમેરિકામાં પણ શિક્ષિત લોકો જઈ રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો, કારીગરો અને મજૂરોનું રોજી-રોટી માટે મોટા પ્રમાણમાં સ્થળાંતર થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રને બચાવવા માટે એક જ રસ્તો છે જે કલ્પસર યોજના છે. તે બનાવવી જરૂરી છે.
કલ્પસર યોજના બનતા સૌરાષ્ટ્રની સ્થળાંતરની પ્રક્રિયા અટકી શકે તેમ છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ ભારત જવાનો રસ્તો પણ ટૂંકો થઈ શકે તેમ છે. આ ઉપરાંત સમય, ડીઝલ, પેટ્રોલ, ગેસની બચત અને વિદેશ જતું – હુંડીયામણ, પર્યાવરણ બધું બચાવી શકાય તેમ છે. કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય યોજના જાહેર કરી 80:20ના રેશિયા પ્રમાણે 80% કેન્દ્ર સરકાર અને 20% રાજય સરકાર ગ્રાન્ટ ફાળવી સૌરાષ્ટ્રના લોકો અને તેમની ખેતીને બચાવી શકાય એમ છે.
આ પણ વાંચો : રેલવે મુસાફરો યાદ રાખજો: અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, ડાયવર્ટ કરાશે ટ્રેનો
સૌરાષ્ટ્રની કાયાપલટ કરવા અને દેશ-દુનિયામાં હરિયાળી અને શ્વેતક્રાંતિ થકી સમૃદ્ધ કરવા માટે કલ્પસર યોજના જરૂરી છે. એક સર્વે પ્રમાણે પ્રદુષણના લીધે 15% ખેત ઉત્પાદન પણ ઓછું આવી શકે છે. કઠોળ-તેલ સિવાયની અનેક ખાદ્ય વસ્તુ આપણે આયાત કરવી પડે છે. ત્યારે – બીજી કોઈ યોજનામાં કાપ મૂકી કલ્પસર યોજના હયાત અને આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. ખેતરે ખેતરે પાણી અને દરેક હાથને કામ આપવું હોય તો કલ્પસર એકમાત્ર વિકલ્પ છે. કોરોના સમયમાં ફકત ખેતી અને પશુપાલન બે જ ઉદ્યોગો ચાલુ હતા. અને લોકોની સારવાર માટે હૉસ્પિટલો ચાલુ હતી, તો ખેતી સાથે જોડાયેલા ગામડાં અને ગામડાંમાં રહેતાં તમામ વર્ગો વેપારીઓ, ઉદ્યોગોને સમૃદ્ધ કરવા કલ્પસરનું પાણી એકમાત્ર વિકલ્પ છે.
ભવિષ્યમાં પણ કલ્પસર યોજના થકી દેશ અને ગુજરાત સાથે સૌરાષ્ટ્ર એક નવી દિશાએ આગળ વધશે. અંદાજે દોઢથી બે લાખ કરોડની આ કલ્પસર યોજના તાત્કાલિક સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મંજૂર કરવામાં આવે તે અંગે સરકારને રજૂઆત કરી છે.