Get The App

ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, નડિયાદ નજીક ટ્રેક પર મોટા પથ્થરો સાથે અથડાઈ ટ્રેન, સદનસીબે મોટી જાનહાનિ ટળી

ટ્રેક પર પથ્થરો મુકનારા શખ્સોને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ

અગાઉ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનને ઉથલાવવાનો થયો હતો પ્રયાસ

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, નડિયાદ નજીક ટ્રેક પર મોટા પથ્થરો સાથે અથડાઈ ટ્રેન, સદનસીબે મોટી જાનહાનિ ટળી 1 - image


Stones Placed On Train Tracks : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેનને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી નડિયાદ નજીકના ગોઠાજ પાસે અમદાવાદ-મુંબઈ મેઈલ રેલવે ટ્રેક પણ કોઈ અજાણ્યા લોકો દ્વારા પથ્થર મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ એન્જિનિયર અને રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, પથ્થરો સાથે ટ્રેન અથડાતા પથ્થરો ખસી ગયા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. આ રેલવે ટ્રેક અમદાવાદ અને મુંબઈને જોડતો મેઈન ટ્રેક છે. ત્યારે જો આ પ્રકારના કૃત્યથી જો અકસ્માત સર્જાયો હોત તો ખુબ જ મોટું નુકસાન વેઠવું પડ્યું હોત. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા 5થી 7 કિલોના પથ્થર મુક્યા હતા. ટ્રેક પરથી પસાર થતી ગુડ્ઝ ટ્રેનના લોકોને કંઈક અથડાયું હોવાની જાણ થતા મહેમદાવાદ રેલવે સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી. ટ્રેકના બંને છેડા પર મોટા પથ્થર મળી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ રેલવેના વડોદરા ડિવીઝનના સેક્શન ઈજનેર નવીનકુમાર ગુલાબચંદ રંજન સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ નડિયાદ પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અજાણ્યા શખ્સોએ ટ્રેન અવરોધવાનો કારસો રચ્યો હોવાનું માલુમ પડતા રેલવે એન્જિનિયરે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ ટ્રેક પર પથ્થરો મુકનારા શખ્સોને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અગાઉ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનને ઉથલાવવાનો થયો હતો પ્રયાસ

આણંદ ખંભાત તરફ દોડતી ડેમુ ટ્રેનને પેટલાદ પાસે અસામાજીક તત્વો દ્વારા રેલ્વે ટ્રેક ઉપર લોખંડની વજનદાર ગડર મુકી ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતાં ડેમુ ટ્રેનના ડ્રાયવરની સમય સુચકતાથી મોટી ઘટના ટળી જવાની સાથે સાથે મુસાફરોમાં ભારે દહેશત મચી જવા પામી હતી. આણંદથી ખંભાત તરફ દરરોજ દોડતી ડેમુ ટ્રેન પેટલાદ પાસે નાર સ્ટેશન આવતા પહેલા રેલ્વે ટ્રેક ઉપર કોઈ લુખ્ખા તત્વો દ્વારા 100 કિલોથી વધુ વજનની લોખંડની ગડર મુકી દઈ ડેમુ ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ટ્રેનના લોકો પાયલોટે સમય સુચકતાં સાથે ટ્રેનની જોરદાર બ્રેક મારતાં ટ્રેન ધીમી પડી ગઈ હતી અને ગડર સાથે અથડાઈ હતી. આ ટ્રેન ધીમી થઈ જતાં ટ્રેનનો કોઈ અસર થઈ નહોતી પરંતુ અચાનક ધડાકા સાથે બ્રેક વાગતાં મુસાફરોમાં દહેશત મચી જવા પામી હતી. ત્યારબાદ ટ્રેન ઉભી રાખી લોકો પાયલોટ દ્વારા મુસાફરોની મદદથી વજનદાર ગડરને રેલ્વે ટ્રેક ઉપરથી ઉઠાવી બાજુમાં નાખી દેવામાં આવી હતી. જો કે ઘટના દરમ્યાન મુસાફરોને કોઈ જાનહાની કે ઈજા ન પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News