આણંદમાં ધાર્મિક દબાણ હટાવવા મુદ્દે પથ્થરમારા
- બોરસદ ચોકડી વિસ્તારમાં 350 થી વધુ મકાનોના દબાણો પર બૂલડોઝર ફેરવાયું
- પોલીસનો હળવો લાઠીચાર્જ : 17 થી વધુ લોકોની અટક : મોડી સાંજે ટોળા સામે ગુનો દાખલ : રૂા. 75 કરોડની 20 હજાર ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાઈ
આણંદની બોરસદ ચોકડી ખાતે આવેલી ઝુપડપટ્ટી રાજકીય નેતાઓ માટે વર્ષથી વોટ બેન્ક રહી છે. પરિણામે ૫૦ વર્ષથી વધુ જૂના દબાણો હટાવવામાં પાલિકા વારંવાર નિષ્ફળ જતી હતી. તાજેતરમાં જિલ્લા કલેક્ટરના કડક આદેશને પગલે શુક્રવારે ઝુપડપટ્ટીના ૩૭૧ કાચા-પાકા મકાનોના વીજ અને પાણીના જોડાણો કાપ્યા બાદ શનિવારે પાલિકા અને વહીવટી ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચી હતી.
બોરસદ ચોકડી નજીક કૈલાશભૂમિની બાજૂમાં પસાર થતી મેમુ ટ્રેન રેલવે ટ્રેકથી સોજીત્રા રોડ સુધીની જગ્યામાં ખડકાયેલા ૩૫૦થી વધુ મકાનોના દબાણો ઉપર બૂલડોઝર ફેરવીને અંદાજે રૂ.૭૫થી ૮૦ કરોડની બજાર કિંમત ધરાવતી ૨૦ હજાર ચોરસ મીટર જમીન ખૂલ્લી કરવામાં આવી હતી.
શનિવારે તંત્રએ વાસદ ચોકડી ખાતે રેલવે ટ્રેક પાસે બાંધવામાં આવેલા મંદિરનું દબાણ હટાવતા ઝુપડપટ્ટીના રહિશો ઉશ્કેરાયાં હતાં. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં સ્થાનિકોએ પોલીસની ટીમ ઉપર પથ્થરમારો કરતા અફરાતફરી મચી હતી. જ્યારે પોલીસે પણ મામલો થાળે પાડવા લાઠીચાર્જ કર્યો હતો અને ૧૭થી વધુ લોકોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મોડી સાંજે આણંદ ટાઉન પોલીસ મથકે ૧૭ લોકો સામે નામજોગ, તેમજ ૫૦ થી ૭૦ લોકોના ટોળા સામે ગુનો દાખલ કરાયો હતો.વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા મેગા ડીમોલીશનના કારણે શહેરના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તેમજ આગામી સ્થાનિક ચૂંટણીઓમાં સરકારી જમીનમાં દબાણ કરનારાઓના મત મળશે કે કેમ તે અંગે દબાણકર્તાઓને મત બેન્ક તરીકે ઉપયોગ કરતા રાજકીય અગ્રણીઓમાં ભય બેસી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આંકલાવ તાલુકામાં પણ દબાણો દૂર કરાયા
સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવાના જિલ્લા કલેક્ટરના આદેશના પગલે આંકલાવ તાલુકાની આસોદર ચોકડીએ પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પુલ નીચેથી શાકભાજીની લારીઓ દૂર કરવામાં આવી હતી. તેમજ વીર કુવા ચોકડીના દબાણો પણ હટાવાયા હતા.