મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, DJ વગાડવા મુદ્દે થઈ બબાલ, પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી
Ram Shobha Yatra : આવતીકાલે (22 જાન્યુઆરી) અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. જેને લઈને દેશભરમાં ભગવાન રામની શોભાયાત્રાઓ નીકળી રહી છે. ત્યારે ગુજરાતમાં એક અણબનાવ બન્યો છે. મહેસાણાના ખેરાલુના હાટડીયામાં આજે (21 જાન્યુઆરી) ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન શોભાયાત્રા બેલિમવાસ પહોંચી ત્યારે શોભાયાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જેને લઈને મામલો બિચક્યો હતો. જોકે ઘટનાના પગલે તાત્કાલિક પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના 10 જેટલા સેલ છોડ્યા હતા. જે બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
DJ વગાડવાના મુદ્દે મામલો બિચક્યો
બેલિમવાસમાં ભગવાન રામની શોભાયાત્રામાં DJ વગાડવા મુદ્દે હોબાળો થયો હતો. જ્યારબાદ અચાનક શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થયો હતો. જોકે, પથ્થરમારામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા તે અંગે કોઈ માહિતી મળી નથી. મહત્વનું છે કે, પથ્થરમારો કરાતો હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, મોં પર રૂમાલ બાંધીને કેટલીક મહિલાઓ અને પુરુષ છત પરથી પથ્થરો ફેંકી રહ્યા છે.
પોલીસે 10 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા, હાલ સ્થિતિ કાબૂમાં
સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના 10 જેટલા સેલ છોડવા પડ્યા હતા. જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી. હાલમાં સમગ્ર જિલ્લામાંથી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું જણાવાય રહ્યું છે.