Get The App

ગણેશ મંડપ ઉપર પથ્થરમારો સુરતની શાંતિ ડહોળવા પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ

કોટ વિસ્તારના સૈયદપૂરા વરીયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાતે કોમી છમકલા બાદ સોમવારે સવારથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : પોલીસ કમિશનરે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી

ત્રણ ગુના નોંધી છ તરુણની અટકાયત, 28 લોકોની ધરપકડ : પોલીસે છ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે : પોલીસ કમિશનર

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ગણેશ મંડપ ઉપર પથ્થરમારો સુરતની શાંતિ ડહોળવા પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ 1 - image


- કોટ વિસ્તારના સૈયદપૂરા વરીયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાતે કોમી છમકલા બાદ સોમવારે સવારથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો : પોલીસ કમિશનરે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી

- ત્રણ ગુના નોંધી છ તરુણની અટકાયત, 28 લોકોની ધરપકડ : પોલીસે છ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે : પોલીસ કમિશનર


સુરત, : સુરતના સૈયદપુરા વરીયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાત્રે ગણેશ મંડપ ઉપર કેટલાક બાળકોએ ફેંકેલા પથ્થર બાદ ભડકેલી હિંસામાં તોફાની તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી.પોલીસે તરત સ્થળ ઉપર દોડી જઈ કાર્યવાહી કરતા સ્થિતિ વધુ વણસી નહોતી.આ બનાવમાં આજરોજ પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે અત્યાર સુધી તપાસમાં જે હકીકત મળી છે તેના પરથી ગતરાત્રે ગણેશ મંડપ ઉપર પથ્થરમારો શહેરની શાંતિને ડહોળવાના પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ હોવાનું લાગી રહ્યું છે.પોલીસે ગતરાતની ઘટનામાં ત્રણ ગુના નોંધી છ તરુણની અટકાયત કરી છે જયારે 28 વ્યક્તિની ધરપકડ કરી છે.પોલીસે ઘટનાના મૂળ સુધી જવા છ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.દરમિયાન, આજે સવારથી જ સૈયદપુરા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી ડ્રોનની મદદથી સર્વેલન્સ પણ હાથ ધર્યું હતું.

સુરતના સૈયદપુરા વરીયાવી બજાર મેઈન રોડ ઘર નં.7/1475 ની સામે ગણપતિની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે.ગતરાત્રે 9.30 વાગ્યાના અરસામાં રીક્ષા ( નં.જીજે-05-ટીટી-4433 ) ત્યાં આવી હતી અને તેમાં બેસેલા છ થી આઠ બાળકો પૈકી કોઈ એક બાળકે મંડપમાં પથ્થર ફેંકતા ગણપતિની મૂર્તિ સાથે રાખેલા ઢોલકને નુકશાન થયું હતું.ત્યાં હાજર લોકોએ રીક્ષામાં આવેલા બાળકોને ઝડપી લીધા હતા અને તમામને નજીકની સૈયદપુરા ચોકી ઉપર લઇ ગયા હતા.તે સમયે ત્યાં 200 થી 300 મુસ્લિમ મહિલા અને પુરૂષોનું ટોળું એકત્ર થયું હતું અને ત્યાં હાજર હિન્દુઓના ટોળા અને પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસવાનને અને લારીઓને નુકશાન થતા અને પોલીસ જવાનો અને અધિકારીઓને પથ્થર વાગતા ઇજા થતા મામલો બીચક્યો હતો.બંને પક્ષે સામસામા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરી તેમજ ટીયરગેસના શેલ છોડી સ્થિતિ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.તે અરસામાં જ 70 થી 80 વ્યક્તિના ટોળાએ કતારગામ દરવાજા પાસે લાકડાના ફટકા તથા પથ્થરો વડે ત્યાં પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી આગ લગાવી સળગાવી નુકશાન કરતા પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

ગણેશોત્ત્સવની બીજી જ રાત્રે બનેલી આ ઘટનાને પગલે પોલીસ કમિશનર ખુદ ત્યાં દોડી ગયા હતા અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધરી પથ્થરમારો કરનારાઓને ઝડપી લીધા હતા.લાલગેટ પોલીસે આ બનાવમાં ત્રણ ગુના નોંધી મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયેલા 12 થી 13 વર્ષના છ તરુણની અટકાયત કરી હતી.જયારે કોમ્બિંગ કરી કુલ 28 ની ધરપકડ કરી હતી.આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોલીસની તપાસમાં તે હકીકત જાણવા મળી હતી કેજ્યાં મંડપ છે તે વિસ્તારમાં આજુબાજુના મુસ્લિમો હિંદુઓ સાથે હળીમળીને રહે છે અને ક્યારેય કોઈ બનાવ બન્યો નથી.જોકે, મંડપમાં પથ્થર ફેંકનાર બાળકો મંડપ નજીક રહેતા નથી.તેઓ ત્યાંથી પોણો કિલોમીટર દૂર રહે છે અને ત્યાંથી રીક્ષામાં આવ્યા અને પથ્થર ફેંક્યો તેના પરથી શક્યતા છે કે ગણેશ મંડપ ઉપર પથ્થરમારો શહેરની શાંતિને ડહોળવાના પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ છે.કેમકે ગતવર્ષે વિસર્જનના દિવસે અને બે દિવસ અગાઉ પણ આવી રીતે જ બાળકોએ પથ્થર ફેંક્યો હતો અને બાદમાં સમાધાન થયું હતું.

ગણેશ મંડપ ઉપર પથ્થરમારો સુરતની શાંતિ ડહોળવા પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ 2 - image

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં સામેલ અન્યોને ઝડપી પાડવા માટે સુરત પોલીસે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની છ ટીમ બનાવી છે અને તે તપાસ કરી રહી છે.પોલીસ તે માટે પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાના ફૂટેજ, નજીકના દુકાનોના સીસીટીવી ફૂટેજ, સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયો ઉપરાંત ડ્રોનની મદદ લઈ રહી છે.પોલીસે ગતરોજની ઘટના બાદ કોઈ કાંકરીચાળો નહીં થાય તે માટે આજે સવારથી સમગ્ર વિસ્તારમાં સ્થાનિક પોલીસ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એસઆરપીની એક ટુકડી મળી 150 પોલીસ જવાનોને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ત્યાં તૈનાત કરી દીધા હતા.ઉપરાંત, ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશનરે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક પણ યોજી હતી.તેમજ ખાતરી આપી હતી કે તમામ ગુનેગારો સામે કડક પગલાં લેવાશે.

ગણેશ મંડપ ઉપર પથ્થરમારો સુરતની શાંતિ ડહોળવા પૂર્વયોજિત કાવતરાનો એક ભાગ 3 - image

બાળકો પાસે પથ્થરમારો કરાવનારા સમાજના ગુનેગાર : ગૃહ રાજ્યમંત્રી

સમાજના આગેવાનો આવા લોકોને સાચી દિશા આપે : પથ્થર મારનાર કોઈપણ હોય કાનૂન તેને બક્ષશે નહીં


સુરત, : સૈયદપુરાની ઘટનાને પગલે ગત મોડીરાત્રે ત્યાં દોડી જઈ જે મંડપમાં પથ્થર ફેંકાયો હતો ત્યાં આરતી કરી સૂર્યોદય પહેલા પથ્થરમારો કરનારને ઝડપી પાડવાનું આશ્વાસન આપનાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે બપોરે પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર, કલેકટર, મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સાથે મિટિંગ કર્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.બાદમાં તેમણે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે પથ્થર મારનાર કોઈપણ હોય કાનૂન તેને બક્ષશે નહીં.ગતરોજની ઘટનામાં બાળકોને હાથો બનાવી શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ થતા તેમણે બાળકો પાસે પથ્થરમારો કરાવનારા સમાજના ગુનેગાર જણાવી મુસ્લિમ સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે તેઓ આવા લોકોને સાચી દિશા આપે.તેમણે ઉમેર્યું હતું કે પોલીસને તેવી પણ સૂચના આપવામાં આવી છે કે આ બનાવામાં કોઈ બેગુનાહ ફસાઈ નહીં.


રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં આ વિસ્તારમાં પથ્થરમારો થયાના 13 બોગસ કોલ આવ્યા, જૂના વિડીયો ફરતા થયા

સુરત, : સૈયદપુરામાં ગતરાત્રે તોફાનો શરૂ થયા બાદ પોલીસ કંટ્રોલ રૂમને આ વિસ્તારમાં પથ્થરમારો થયાના 13 બોગસ કોલ આવ્યા હતા.સોશિયલ મીડિયામાં પણ અફવા બજાર ગરમ થયું હતું.કેટલાકે જુના વિડીયો પણ ફરતા કર્યા હતા.


Google NewsGoogle News