Get The App

સુરતમાં અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો, સાંસદ-ધારાસભ્ય ઘટનાસ્થળે દોડ્યા

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
સુરતમાં અસામાજિક તત્વો દ્વારા ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો,  સાંસદ-ધારાસભ્ય ઘટનાસ્થળે દોડ્યા 1 - image


Surat Ganesh Mahotsav : હાલ ઠેર-ઠેર રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના સૈયદપુરા વરિયાળી બજારમાં સ્થાપના કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિ પર ચાર-પાંચ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ પથ્થરમારામાં ગણેશજીની મૂર્તિ ખંડિત થતાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.


મામલો વધારે વકરતા લોકોએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. લોકો ફરિયાદ કરવા પહોંચ્યા હતા તે દરમ્યાન પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

બીજી બાજુ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કાંતિ બલર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સાંસદ મુકેશ દલાલે પણ ઘટનાસ્થળે પહોંચીને લોકોને આશ્વાસન આપતા કહ્યું કે પથ્થરમારો કરનારાને છોડવામાં નહીં આવે.

ઘટનાની જાણ થતાં શહેર પોલીસ કમિશનર અને મેયર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મામલો ઉગ્ર બનતાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારાની ઘટનામાં ડીસીપી વિજય સિંહ ગુર્જર સહિત બે પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી. એકત્ર થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોની અટકાયત કરી છે જ્યારે પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગૃહ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે કાંકરિચાળો કરનારને છોડવામાં નહી આવે. આ ઘટના પર મારી નજર છે, આવી ઘટનાઓને સાંખી લેવામાં નહી આવે. પોલીસની અલગ-અલગ ટુકડી બનાવીને તપાસ હાથ ધરી છે, આ ઘટનામાં જે પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેમની વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 


Google NewsGoogle News