મકરપુરામાં નજીવી બાબતે તકરાર થતા પથ્થરથી હુમલો
બે ભાઇ અને બનેવી સહિત ત્રણને ઇજા
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં નજીવી બાબતે ઝઘડો થતા પથ્થર અને લોખંડની એંગલથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા આશિષ સુરેન્દ્રકુમાર કુશવાહા મૂળ બિહારનો છે. વડોદરામાં તે બહેન બનેવી સાથે રહેતો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૫ મી ફેબુ્રઆરીએ રાતે સાડા આઠ વાગ્યે હું, મારો નાનો ભાઇ તથા બનેવી રણજીતકુમાર મકરપુરા જી.આઇ.ડી.સી. માં લક્ષ્મી એન્જિનિયરીંગમાં કામ કરતા હતા. અમે અંદરોઅંદર ગાળો બોલી મજાક મસ્તી કરતા હતા. તે દરમિયાન સન્ની તથા ભગીરથ ત્યાંથી પસાર થતા હતા. તેઓને એવું લાગ્યું કે, અમે તે લોકોને ગાળો બોલીએ છે. તેમછતાંય સન્નીએ મારા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.સન્નીએ મારા ભાઇને છાતીમાં પથ્થર મારી દીધો હતો અને ભગીરથે લોખંડની એંગલથી હુમલો કર્યો હતો.