Get The App

વૃધ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સો લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોરી ગયા

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News

જૂનાગઢની બેંક ઓફ બરોડામાં લોલમલોલ સંયુક્ત લોકર ખોલવાનાં રજિસ્ટરમાં એન્ટ્રી વૃધ્ધાનાં નામની પણ તે તો ગયા નથી, બેંક કર્મીની સંડોવણીની શંકા, પોલીસ દ્વારા નિવેદન લેવાનું શરૂ  : વર્તમાન સમયે દાગીનાની કિંમત 45 લાખ જેટલી થાય છે. બિલ મુજબ 13.94  લાખ થાય છે. 

જૂનાગઢ, : જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃધ્ધાની ખોટી સહી કરી લોકર ખોલી તેમાં રહેલા ૧૩.૯૪ લાખની કિંમતના દાગીના ચોરી ગયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કોઈ બેંક કર્મીની સંડોવણીની આશંકા છે. હાલ પોલીસે નિવેદન લઈ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જોષીપરામાં આવેલી પોસ્ટલ સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેશન સામે મોબાઈલ સર્વિસ સેન્ટર ધરાવતા હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદીના માતા-પિતા તેમજ તેનું સંયુક્ત લોકર બસ સ્ટેશન સામે આવેલી એસબીએસ બેંકમાં હતું. હિમાંશુભાઈના પિતાનું અવસાન થતા લોકર અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું. તા. 31-1-2024 ના હિમાંશુભાઈ તથા તેના માતા અન્નપૂર્ણાબેનનું સંયુક્ત લોકર રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં ખોલાવ્યું હતું. એસબીએસ બેંકના લોકરમાં જે દાગીના હતા તે દાગીના હિમાંશુભાઈના ભાઈ જીજ્ઞોશભાઈ તથા માતા અન્નપૂર્ણાબેન બેંક ઓફ બરોડાના લોકરમાં મુકી આવ્યા હતા. આ લોકરમાં દાગીના ઉપરાંત પરચુરણ, એફડીની સ્લિપ પણ રાખી હતી. ત્યારબાદ હિમાંશુ કે તેના માતા લોકર ચેક કરવા ગયા ન હતા. તા.29-10-2024ના અન્નપૂર્ણાબેનને દાગીનાની જરૂર હોવાથી ભાણેજ સાથે બેંક ખાતે ગયા હતા ત્યાં લોકર ખોલતા તેમાં કોઈ દાગીના ન હતા. એફડીના કાગળ તેમજ પરચુરણ સિવાય લોકરમાંથી કંઈ મળ્યું ન હતું. હિમાંશુભાઈના ભાઈ જીજ્ઞોશભાઈ બેંક પર ગયા હતા તેણે અધિકારીને વાત કરી હતી. લોકર વિઝીટનું એન્ટ્રી રજીસ્ટર ચેક કરતા તેમાં ત્રણ એન્ટ્રી જોવા મળી હતી. બે નંબરની એન્ટ્રીમાં અન્નપૂર્ણાબેનનું નામ હતું તેમાં તારીખ લખેલી ન હતી. આ દિવસે અન્નપૂર્ણાબેન બેંક પર ગયા જ ન હતા. આ એન્ટ્રી ખોટી રીતે કરવામાં આવી હતી.

આખરે ગત રાત્રે હિમાંશુભાઈએ ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે 13.94 લાખના દાગીના લોકરમાંથી ચોરી કરી લઈ ગયાનો ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે દાગીનાની કિંમત 45 લાખ જેટલી થાય છે. બિલ મુજબ 13.94  લાખ થાય છે. હાલ બેંક કર્મીઓના નિવેદન લઈ સીસીટીવી ફુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે બેંક કર્મીની સંડોવણીની આશંકા છે. હાલ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. બેંક લોકર એક બેંકમાં રહેલી અને બીજી ગ્રાહક પાસે રહેલી ચાવી વડે ખોલવામાં આવે ત્યારે જ ખુલે છે. આ કેસમાં એક ચાવી ગ્રાહક પાસે હતી તો બેંક લોકર કેવી રીતે ખુલ્યું એ મોટો પ્રશ્ન છે.


Google NewsGoogle News