હજુ તો ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે વાતાવરણ પલટો
Gujarat Weather Update : હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી હતી. પરંતુ અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઑક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ રહેશે.
આ પણ વાંચો : રતન ટાટાના નિધન બાદ નોએલ સાથે અન્ય એક નામ પણ ચર્ચામાં આવ્યું, જાણો કોણ છે માયા ટાટા?
હાલમાં અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 22 ઑક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર ગુજરાતમા વારંવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તો અહીં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, બોટાદ તેમજ કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, નવસારી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ પણ જામ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવી હતી, જે સાચી ઠરી છે.