ધો.10ના વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય જનજાગૃતિ અભિયાન
- વડોદરા-આબુ-વડોદરા : માત્ર પાંચ દિવસમાં 689 કિ.મી.નું સાયકલિંગ
આબુથી પરત ફરતી વખતે આણંદ સુધી સળંગ 245 કિ.મી.નું સાયકલિંગ કર્યુ, અમદાવાદમાં માત્ર એક કલાક આરામ કર્યો
વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર
કોરોના પછી લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને શારીરિક કસરતનું મહત્વ સમજાય તે માટે વડોદરાના ધો.10ના વિદ્યાર્થીએ પાંચ દિવસમાં 689 કિ.મી.નુ સાયકલિંગ કરીને સમાજને 'સ્વાસ્થ્ય સંદેશો' આપ્યો છે. સાયકલિંગ આ વિદ્યાર્થીનો શોખ છે અને તે સાયકલિંગમાં વર્લ્ડ રેકોર્ડ તોડવા માગે છે.
મુળ હાલોલનો અને વડોદરામાં માણેજા વિસ્તારમાં રહેતો ઓમ ઘનશ્યામભાઇ જોષી (ઉ.17) આણંદ ખાતે ધો.10નો અભ્યાસ કરી રહ્યો છે. ઓમ જોષીએ તાજેતરમાં જ વડોદરા-આબુ-વડોદરા 689 કિ.મી.નુ સાયકલિંગ પૂર્ણ કર્યુ છે. ઓમ કહે છે કે '23 ઓક્ટોબરે સવારે 6 વાગ્યે સાયકલ લઇને વડોદરાથી નીકળ્યો હતો અને 174 કિ.મી.નું અંતર કાપીને રાત્રે 8 વાગ્યે વીજાપુર ખાતે રાત્રી રોકાણ કર્યુ હતુ. બીજા દિવસે સવારે ત્યાંથી 6 કલાકમા 105 કિ.મી.નું સાયકલિંગ કરીને અંબાજી પહોંચ્યો હતો.
ત્રીજા દિવસે અંબાજીથી પાંચ કલાકમાં 110 કિ.મી. સાયકલિંગ કરીને આબુ પહોંચ્યો હતો. આબુ ખાતે મે 30 કિ.મી.ની હીલ પણ સાયકલિંગ દ્વારા પાર કરી હતી. ત્રીજા દિવસે જ હું માઉન્ટ આબુથી અંબાજી પરત આવી ગયો હતો અને ચોથા દિવસે માઉન્ટ આબુથી સાયકલિંગ શરૂ કર્યુ અને સીધો અમદાવાદ પહોંચ્યો હતો જ્યાં એક કલાક આરામ કરીને રાત્રે આણંદ પહોંચી ગયો હતો. આ દિવસે મે 245 કિ.મી.નુ સાયકલિંગ કર્યુ હતું. પાંચમા દિવસે આણંદથી 55 કિ.મી.નું સાયકલિંગ કરીને વડોદરા પહોંચ્યો હતો.'
પોતાના સાયકલિંગ શોખ અંગે ઓમનું કહેવુ છે કે 'હું વાહનનો ઉપયોગ કરતો જ નથી. સાયકલિંગ પ્રત્યે મને ઝનુન છે અને હું સાયકલિંગમાં વર્લ્ડ રેકોર્ડ તોડવા માગુ છું. અત્યાર સુધીમાં મે સ્થાનિક અને રાજ્યકક્ષાની પાંચ સાયકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો છે.'