Get The App

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 2024માં 1.79 કરોડનો દારૂ જપ્ત કર્યો

Updated: Jan 3rd, 2025


Google News
Google News
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 2024માં 1.79 કરોડનો દારૂ જપ્ત કર્યો 1 - image


સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના નાક નીચે 

જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં રોકડ સહિત ૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો 

સુરેન્દ્રનગર: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યની સ્થાનિક પોલીસની મિલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરના કેસ નોંધવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ નોંધ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૭૯ કરોડ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. જિલ્લામાં દારૂના એક દરોડાની કામગીરી દરમિયાન એસએમસીના પીઆઇનું મોત નિપજ્યું હતું

સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓએ માઝા મુકી છે અને જીલ્લામાંથી મોટાપાયે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અવાર-નવાર રેઈડ કરી ઈંગ્લીશ દારૂ અને જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે ત્યારે ગત વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોટાપાયે ઈંગ્લીશ દારૂ અને જુગાર સહિતના કેસો કરતા સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

વર્ષ ૨૦૨૪માં એસએમસી ટીમ દ્વારા પ્રોહિબીશનના કુલ ૨૫ કેસો કરવામાં આવ્યા હતા અને તેમાં ઈંગ્લીશ દારૂ અને બીયર કિંમત રૂા.૧.૭૯ કરોડ સહિત કુલ રૂા.૩.૬૮ કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વર્ષ ૨૦૨૪માં જુગારના કુલ ૦૫ કેસ કરી સ્થળ પરથી રોકડ રૂા.૧૧.૧૬ લાખ અને કુલ મુદ્દામાલ રૂા.૩૩.૨૨ લાખ કબજે કરી જુગારીઓ સામે કડક કાર્યવાહી હાથધરી છે. આમ સુરેન્દ્રનગર જીલ્લામાંથી ગત વર્ષ ૨૦૨૪માં એસએમસીની ટીમે મોટાપાયે ઈંગ્લીશ દારૂ તેમજ જુગારના કેસો કરી ક્યાંકને ક્યાંક સ્થાનીક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરની ગાડીને રોકવા જતાં એસએમસીના પીઆઇનું મોત નિપજ્યું હતું. એસએમસી ટીમના પીએસઆઇ જે. એમ. પઠાણ ૫ નવેમ્બરના રોજ ૨.૩૦ વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે દારૂ ભરેલી કારને રોકવા જતાં તેમની કાર ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયા હતા. જેમાં પીએસઆઇ પઠાણના માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર અને ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. જે અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Tags :