સુરતની 18 થી વધુ પેઢીઓમાં બોગસ બીલીંગ અંગે સ્ટેટ GSTની તપાસ જારી
સુરત
કૌભાંડીઓ અન્યોના આધારકાર્ડમાં સુધારા અરજી કરીને પોતાનો મોબાઈલ નંબર ઉમેરાવીને જીએસટી નંબર મેળવી બોગસ બીલીંગ આચરે છે
બોગસ
બીલીંગ આચરતી હોવાની આશંકાના આધારે સુરત એસજીએસટી વિભાગની ટીમે સુરતની 18 થી વધુ પેઢીઓના
ધંધાકીય સ્થળો પર હાથ ધરેલી તપાસ આજે પણ જારી રહેવા પામી છે.
સુરત સહિત સમગ્ર રાજ્યના અગ્રણી શહેરોમાં બોગસ બીલીંગના દુષણને ડામવાના હેતુથી એસજીએસટી વિભાગની ટીમે શંકાસ્પદ બોગસ બીલીંગના વ્યવહારો સાથે સંકળાયેલી પેઢીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી છે.જે તપાસના ભાગરૃપે સુરતની 18 જેટલી વિવિધ વ્યવસાય સાથે સંકલાયેલી પેઢીઓના ધંધાકીય સ્થળો પર સુરત એસજીએસટી વિભાગે હાથ ધરેલી તપાસ આજે પણ જારી રહેવા પામી છે.
જે દરમિયાન વિભાગીય અધિકારીઓની તપાસમાં બોગસ બીલીંગની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે.જેમાં અન્ય લોકોના આધારકાર્ડ મેળવી તેમાં મોબાઈલ નંબર પોતાનો ઉમેરીને બોગસ બીલીંગ કૌભાંડી સમગ્ર કૌભાંડ આચરતા હોવાનું બહાર આવ્યું છે.ઘણાં લોકો પોતાના આર્થિક લાભ માટે સ્વૈચ્છાએ પણ પોતાના આઈટી-પાસવર્ડ પણ કૌભાંડીઓને આપ્યા હોવાનું બહાર આવ્યું છે.અલબત્ત આ પ્રકારના વ્યવહારોમાં ઉત્તરોત્તર વધારો થતાં વિભાગની તપાસનો રેલો આવતાં આર્થિક લાભ મેળવનારા પોતે બેનીફિશ્યરી હોવાના બદલે ભોગ બનનાર હોવાનું જણાવી રહ્યા છે.
એસજીએસટી વિભાગે સુરત શહેર-જિલ્લામાં સિસ્ટમ બેઝ યાદી બનાવીને પેઢીઓના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી છે.જેમાં મોટાભાગના સ્થળો પર માલિકો ન મળવાથી માંડીને ખોટા એડ્રેસ તથા અસંદિગ્ધ ભાડા કરાર અને અન્ય લોકોનો ઓળખના પુરાવાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.સામાન્ય લોકોના આધારકાર્ડ મેળવીને તેમાં સુધારા અરજી કરીને ઓરીજીનલ આધારકાર્ડમાંથી તેમનો નંબર કાઢીને કૌભાંડીઓ પોતાના મોબાઈલ નંબરનો અપડેટ કરાવી લેતા હતા.ત્યારબાદ આ આધારકાર્ડનો ઉપયોગના આધારે પેઢીઓના જીએસટી નંબર મેળવી લેતા હતા.જેથી જીએસટી કે બેંક તરફથી કોઈ મેસેજ આવે તો તેમના મોબાઈલ પર જ આવે.સી.એ.નિરજ બજાજે જણાવ્યું હતું કે તાજેતરમાં ક્રેડીટ સંબંધી કરવામાં આવેલા સુધારા કે થમ્બ ઈમ્પ્રેસન બાદ જ અપાતા રજીસ્ટ્રેશનના લીધે બોગસ બીલીંગ પર અંકુશ આવ્યો છે.પરંતુ સદંતર બોગસ બીલીંગ બંધ થયા હોવ તેવું થયું નથી.હાલમાં આવતાં કેસો જુના છે.નવા સુધારાની અસર ધીમે ધીમે જોવા મળી રહે છે.પરંતું કૌભાંડીઓ દ્વારા તેમની મોડસ ઓપરેન્ડીમાં ધીમે ધીમે બદલાવ લાવી રહ્યા છે.