ભગવાનના જુના ફોટા અને ખંડિત પ્રતિમા માટે કલેક્શન સેન્ટર શરૃ કર્યું

લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે નવતર પ્રયોગ

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News

ભગવાનના જુના ફોટા અને ખંડિત પ્રતિમા માટે કલેક્શન સેન્ટર શરૃ કર્યું 1 - image

દિવાળીની સફાઇને ધ્યાને રાખી રાંદેર ઝોનની પાલ વોર્ડ ઓફિસે લોકો જ્યાં જુના ફોટા-પ્રતિમા મૂકી જાય તે જગ્યાએ બેનર લગાવ્યા

        સુરત,

દિવાળીની સફાઈ દરમિયાન લોકોના ઘરમાંથી ભગવાન ના જુના ફોટા અને જુની કે ખંડિત પ્રતિમા બહાર મુકી દેતા હોય છે. જેના કારણે લોકોની લાગણી દુભાઈ રહી છે. સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનમાં એક વોર્ડ ઓફિસમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે માટેનો નવતર પ્રયોગ શરૃ કર્યો છે. લોકોને કચરામાં ભગવાનની પ્રતિમા ન મુકવાના બદલે કલેક્શન સેન્ટર બનાવી ત્યાં આપવા માટે અપીલ કરી છે. ભેગા થયેલા ફોટા અને પ્રતિમાનું મ્યુનિ.વિધિવત્ રીતે વિસર્જન કરશે.

હાલ ચાલી રહેલી દિવાળીની સફાઈ દરમિયાન લોકો પોતાના ઘરમાંથી ભગવાનના જુના કે ક્ષતિગ્રસ્ત ફોટા સાથે તૂટી ગયેલી પ્રતિમાનો નિકાલ યોગ્ય રીતે કરવાના બદલે ઘરની આસપાસ ખુલ્લા મેદાન કે મોટા વૃક્ષ હોય તેની આસપાસ મુકી દે છે. આવી રીતે મુકાયેલા ફોટાના કારણે અનેક લોકોની લાગણી દુભાઈ રહી છે. આ અંગે મ્યુનિ.ના રાંદેર ઝોનના પાલ વોર્ડ ઓફિસના સેનેટરી ઇન્સ્પેક્ટર દેવેન દેસાઈએ લોકોની લાગણી પણ ન દુભાઈ અને આવા ફોટા અને પ્રતિમાને માનપૂર્વક વિસર્જન કરવામાં આવે તેવો ઉપાય શોધ્યો છે. તેમના વોર્ડ વિસ્તારમાં તેઓએ કેટલાક બેનર તૈયાર કર્યા છે. અને લોકો જ્યાં ફોટા-પ્રતમિમા મુકી દે છે તેવી જગ્યાઓ પર લગાવ્યા છે. આવા બેનરોમાં લોકોને અપીલ કરવામા આવી કે, લોકોના ઘરમાંથી નીકળતા ધાર્મિક ફોટા અને પ્રતિમા જાહેરમાં ગમે ત્યાં ન ફેંકશો નહીં, તેના બદલે પાલની વોર્ડ ઓફિસ પર જમા કરાવી જજો. મ્યુનિ. દ્વારા જુના ફોટા અને પ્રતિમાનું હિન્દુ રીતરિવાજ મુજબ વિસર્જન કરવામાં આવશે. આ બેનરના ફોટા સોશિયલ મીડિયામાં પાલ- પાલનપોર વિસ્તારના રહેણાંક સોસાયટીના ગુ્રપમાં પણ મોકલવામાં આવ્યા છે. જેના કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને લોકો પોતાના ઘરમાંથી નીકળતા ફોટો અને મૂર્તિ જાહેરમાં ન મુકવાના બદલે પાલની વોર્ડ ઓફિસમાં જમા કરાવવા પહોંચી રહ્યા છે.

પાલ વોર્ડ ઓફિસ દ્વારા આવી રીતે એકત્ર કરવામાં આવેલા ફોટા પરથી ફ્રેમ અલગ કરવામાં આવે છે અને ત્યાર બાદ જે ભગવાનના ફોટા હોય છે તેને પાણીમાં મૂકવામાં આવે છે ત્યારબાદ આ ફોટા ભેગા થઈ અને ખાતર બની જાય છે. આ ખાતરનો ઉપયોગ વોક વે તથા અન્ય જગ્યાએ કરવામાં આવે છે. જેના કારણે લોકોની લાગણી પણ દુભાતી નથી અને જુના ફોટાનો આદર પૂર્વક નિકાલ પણ થાય છે.

 

લોકો 180 જુના ફોટા, 45 ખંડિત પ્રતિમા આપી પણ ગયા

આ નવતર પ્રયોગમાં અત્યાર સુધીમાં લોકો ૧૮૦ જેટલા ફોટા  પાલ વોર્ડ ઓફિસ પર આપી ગયા છે અને ૪૫ જેટલી ખંડિત પ્રતિમા પણ આપી ગયા છે. આ તમામ લોકોની લાગણી ન દુભાય તે રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. પાલ વોર્ડ ઓફિસ દ્વારા શરૃ કરવામાં આવેલા પ્રયોગને સફળતા મળી છે, તેના કારણે આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આ પ્રકારના કલેક્શન સેન્ટર શરૃ કરવા માટે વિચારણા કરવી જોઈએ તેવી માંગણી થઈ રહી છે. 


Google NewsGoogle News