આરંભથી અંત- બધું વહેલું: ગિરનાર પરિક્રમા આજે સાંજ સુધીમાં જ પૂર્ણ
જીણાબાવાની મઢી, માળવેલા ખાલી: અન્નક્ષેત્ર સંકેલાવા લાગ્યાં : 4 દિવસમાં કુલ 7 લાખ જેટલા ભાવિકો નોંધાયા, ગત વર્ષ કરતાં આ વખતે યાત્રિકોની સંખ્યામાં અડધો ઘટાડો
જૂનાગઢ, : ગરવા ગિરનારની પરિક્રમા છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં પ્રથમ પડાવ જીણાબાવાની મઢી, માળવેલા ખાલી થવા લાગ્યા હતા. જ્યારે અંતિમ પડાવ બોરદેવી ખાતે ભીડ રહી હતી. મોટાભાગના યાત્રીઓ આજે સાંજ સુધીમાં પરત તળેટીમાં આવી ગયા હતા. આજે રાત સુધીમાં કુલ ૭ લાખ જેટલા યાત્રિકો નોંધાયા હતા. આમ ગતવર્ષ કરતા આ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં અડધો અડધ ઘટાડો થયો છે.
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગરવા ગિરનારની પરિક્રમા તા. 11ના વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. પરિક્રમામાં આવતા યાત્રીઓ માટે ચા, પાણી, ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસથી 36 કિમીના રૂટ પર જય ગિરનારીનો નાદ ગુંજી રહ્યો છે. ગિરનાર પરિક્રમા વિધિવત તા. 12ના મધ્યરાત્રીએ શરૂ થઈ હતી પરંતુ તેની પહેલા જ હજારો લોકો રૂટ પર જતા રહ્યા હતા. દોઢ દિવસ વહેલી શરૂ થયેલી પરિક્રમા આવતીકાલે તા. 15 ના પૂર્ણ થશે.
આજે પ્રથમ પડાવ જીણાબાવાની મઢી બીજો પડાવ માળવેલા ખાલી થઈ ગયા હતા. આ વિસ્તારમાં રહેલા અન્નક્ષેત્ર સાંજથી સંકેલાવા લાગ્યા હતા. જ્યારે બપોરબાદ પણ ત્રીજા પડાવ બોરદેવી ખાતે ભીડ રહી હતી. પરિક્રમાના અંતિમ ચરણમાં બોરદેવી આસપાસના અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ માટે ધસારો જોવા મળ્યો હતો. આજે નળપાણીની ઘોડીથી બોરદેવી વચ્ચે છૂટક છૂટક યાત્રિકો પસાર થયા હતા. જ્યારે અંતિમ પડાવ બોરદેવીથી તળેટી તરફ યાત્રિકોનો પ્રવાહ સાંજ સુધી વહેતો રહ્યો હતો. તળેટીમાં આવી અનેક યાત્રીઓએ પગથિયાં પર દીવા કરી ગિરનારનું પૂજન કર્યું હતું તો અમુક યાત્રીઓ ગિરનાર પર ગયા હતા. પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકોર દામોદરકુંડમાં સ્નાન કરી વતનની વાટ પકડી હતી.
ગતવર્ષ પરિક્રમા દરમ્યાન કુલ 13.25 લાખ યાત્રીઓ નોંધાયા હતા. જ્યારે આ વખતે સાત લાખથી વધુ યાત્રીઓ નોંધાયા છે. તેમાં હવે થોડો વધારો થવાની શકયતા છે. આ વખતે ખેતીની સિઝન સહિતના કારણોસર યાત્રિકો ઓછા આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં તો જંગલ બાદ ભવનાથ તળેટી પણ ખાલી થઈ જાય એવી સંભાવના છે.
2018 વર્ષ બાદ સૌથી ઓછા યાત્રિકો આ વર્ષે આવ્યા
ગિરનાર પરિક્રમા દરમ્યાન દરવર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે. 2018 બાદ આ વર્ષે સૌથી ઓછા યાત્રિકો આવ્યા છે. 2018માં 767200, 2019માં 802350, 2020 અને 2021માં કોરોનાના કારણે પરિક્રમાં બંધ રહી હતી. 2022માં 867625 અને ગતવર્ષે સૌથી વધુ 13,250,000 યાત્રીઓ નળપાણી ઘોડી ખાતે નોંધાયા હતા.