માધવપુરનાં સુંદર બીચ ઉપર રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ
વિવિધ કૃતિઓ નિહાળવા લોકો ઉમટયાં રેતશિલ્પનાં માધ્યમથી શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીનાં વિવાહ થયા, પોરબંદર, દ્વારકા, સુરતનાં રેતશિલ્પકારોએ આકર્ષણ જમાવ્યું
પોરબંદર, : પોરબંદર નજીકના માધવપુરના રમણીય બીચ ઉપર રેતશિલ્પ તૈયાર કરવાની કામગીરી સંપન્ન થઇ છે, મેળા અનુસંધાને રેતશિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં રેતશિલ્પ કલાકારો તેમાં જોડાયા છે અને સવારે તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેતશિલ્પના માધ્યમથી કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ થયા હતા.
ગુજરાત સરકાર,રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત રેતી શિલ્પ મહા મહોત્સવ 2023 માધવપુર બીચ -માધવપુર ખાતે યોજાયો છે. ગુજરાતભરમાંથી ખ્યાતનામ ૩૫ કલાકારો ભાગ લેવા આવ્યા છે. સુરત, દ્વારકા, પોરબંદર એમ વિવિધ સ્થળોએથી કલાકારો હાજર રહ્યા છે. 12 રેતી શિલ્પ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં રૂક્ષ્મણી વિવાહ, રથમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણી, બંસરી, શ્રીકૃષ્ણ, મોરપીંછ, અયોધ્યા રામ મંદિર, મટુકી, ગણપતિ એવી 12 જેટલા શિલ્પ તૈયાર કર્યા છે. કલાકારો રેતીના માધ્યમથી ભગવાનના વિવાહ કર્યા છે ત્યારે રેત શિલ્પકારોની આ વિવિધ કૃતીઓને નિહાળવા લોકો ઉમટી પડયા હતા અને કલાકારોની કલાને બિરદાવી હતી.