રાજકોટ આર.ટી.ઓ.માં ડબલ શીફ્ટમાં ડ્રાઈવીંગ ટેસ્ટ શરૂ, વેઈટીંગથી છૂટકારો
- સવારે 6.30થી 9.20 સુધી રોજ 294 કાર, 350 ટુ વ્હીલરનો ટેસ્ટ
- તા. 27, 28 જૂલાઈએ કાર અને ટુ વ્હીલરના મનગમતા નંબરો માટે ઈ-ઓક્શન થશે
રાજકોટ, : કાર કે ટુ વ્હીલરનું પાક્કુ લાયસન્સ મેળવવા આર.ટી.ઓ.ના ઓટોમેટિક ટ્રેકમાં ટેસ્ટમાં પાસ થવું ફરજીયાત છે અને આ માટે સપ્તાહ પહેલા એક મહિનાનું વેઈટીંગ ચાલતું હોય લોકો હેરાન થતા હતા જે અન્વયે રાજકોટ આર.ટી.ઓ.માં હવે ડબલ શીફ્ટમાં એટલે કે સવારે ૬-૩૦ વાગ્યાથી રાત્રિના ૯.૨૦ વાગ્યા સુધી ટેસ્ટ લેવાનુ શરૂ કરાયું છે. જેના પગલે વેઈટીંગ મોટાભાગે ખતમ થઈ ગયાનું જણાવાયુંં છે.
આ અંગે આર.ટી.ઓ.અધિકારી પી.બી.લાઠીયાએ જણાવ્યું કે કાર માટે હવે રોજ ૨૯૪ વ્યક્તિઓના અને ટુ વ્હીલર માટે રોજ ૩૫૦ લોકોના ટેસ્ટ લઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી થઈ છે અને હવે ટેસ્ટ માટે ઓનલાઈન તુરંત જ એપોઈન્ટ મળી જાય છે જેનો લોકો લાભ લઈ શકે છે.
દરમિયાન વાહનના મનગમતા નંબર મેળવવા માટે ગત એપ્રિલ માસમાં સરકારે દરોમાં સુધારો કર્યો છે જે મૂજબ રાજકોટમાં કાર,ટુ વ્હીલરના પસંદગીના ૧,૩,૫,૭,૯,૯૯૯ જેવા ફેન્સી નંબર માટે આગામી તા.૨૭ અને ૨૮ જૂલાઈએ પરિવહન.જીઓવી એ સરકારની વેબસાઈટ પર ભાગ લઈ શકાશે. તા.૨૯ના સાંજે ૪.૧૫ વાગ્યે તેનું પરિણામ જાહેર થશે અને ઉંચા ભાવ ભરનારને નંબર ફાળવવામાં આવશે.
આ માટે આર.ટી.ઓ.માં ગોલ્ડન અને સીલ્વર નંબર અગાઉથી નક્કી કરાયેલા છે જેમાં હવેના દર મૂજબ ગોલ્ડન નંબર કાર માટે મેળવવા રૂ।.૪૦૦૦૦ અને સીલ્વર નંબરો માટે રૂ।.૧૫૦૦૦, ટુ વ્હીલરમાં ગોલ્ડન નંબર માટે રૂ।.૮૦૦૦ અને સીલ્વર માટે રૂ।.૩૫૦૦ અપસેટ કિંમત નક્કી કરાઈ છે.ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રાજકોટમાં વાહનની કિંમત જેટલી રકમ કેટલાક ચોક્કસ નંબરના ચાહકોએ માત્ર નંબર માટે ખર્ચી છે.