Get The App

ગુરુવારે સ્થાયી સમિતિની બેઠક : બજેટમાં સુધારા વધારા કરીને મંજૂર કરવામાં આવશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ગુરુવારે સ્થાયી સમિતિની બેઠક :  બજેટમાં સુધારા વધારા કરીને મંજૂર કરવામાં આવશે 1 - image


કમિશનર દ્વારા ૧૨૪૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ

સમિતિએ નાગરિકો પાસેથી સૂચનો મેળવ્યા બાદ તમામ કોર્પોેરેટરોને પણ બોલાવી બજેટલક્ષી સૂચનો મંગાવાયાં

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૪-૨૫નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું ત્યારે આગામી ગુરુવારે સ્થાયી સમિતિ દ્વારા આ બજેટમાં સુધારા વધારા કરીને તેને મંજૂર કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે. આ અગાઉ સમિતિએ નાગરિકો પાસેથી તેમજ કોર્પોરેટરો પાસેથી પણ બજેટલક્ષી સૂચનો મંગાવ્યા હતા.

ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ગત ૧૯ જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે આ બજેટ રજૂ કરતા પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ નાગરિકોના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા અને તેને ધ્યાને લઇને ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા ૧૨૪૭ કરોડ રૃપિયાના ડ્રાફ્ટ બજેટમાં શહેરમાં અને મહત્વની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટ બાદ સ્થાયી સમિતિ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને નાગરિકો પાસેથી પણ બજેટ લક્ષી સૂચનો મંગાવવામાં આવ્યા છે. સમિતિ દ્વારા ગત શનિવારે જ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરોની સર્વદલીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા વર્ષના બજેટ સંદર્ભે સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા. જોકે આ બેઠકમાં વિપક્ષના સભ્યો હાજર રહ્યા ન હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બજેટનો અભ્યાસ કરીને હવે સ્થાયી સમિતિ દ્વારા ગુરુવારે બેઠક બોલાવવામાં આવી છે. જે બેઠકમાં સુધારા વધારા સાથે નવા વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવશે. સ્થાયી સમિતિ દ્વારા આ બજેટ મંજૂર કરી દેવાયા બાદ આગામી સામાન્ય સભામાં પણ તેને મંજૂરી અર્થે મોકલવામાં આવશે.

આજે મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા પણ મળશે

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આવતીકાલે ૬ ફેબુ્રઆરીના રોજ બોલાવવામાં આવી છે. જેમાં સ્થાયી સમિતિએ મંજૂર કરેલી વિવિધ સાત જેટલી દરખાસ્તો ઉપર નિર્ણય કરવામાં આવશે. જેમાં રહેણાંક મિલકતમાં ભારાંકમાં ફેરફારની સાથે વર્ગ ત્રણની ભરતી અને બઢતી નિયમોમાં સુધારા વધારા તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર ખર્ચ પેટે ગત વર્ષના બજેટમાં થયેલો વધારાનો ખર્ચ રિવાઇઝ કરવા સહિતની દરખાસ્તનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News