Get The App

ગુજરાતના સરકારી કર્મચારીઓ લડાયક મૂડમાં, પડતર માગણીઓ સાથે સચિવાલયમાં 'હલ્લાબોલ'

સચિવાલયના દરવાજા તાબડતોબ બંધ કરી કર્મચારીઓને અટકાવ્યા હતા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ગુજરાતના સરકારી કર્મચારીઓ લડાયક મૂડમાં, પડતર માગણીઓ સાથે સચિવાલયમાં 'હલ્લાબોલ' 1 - image


Gandhinagar News : જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી કર્મચારી મંડળ તથા સંયુક્ત મોરચા દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ પેન ડાઉનનો કાર્યક્રમ સફળ રહ્યા બાદ શુક્રવારે કર્મચારીઓ વ્યક્તિગતરીતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવા માટે સચિવાલય ઉમટયા હતા. સમગ્ર રાજ્યના હજ્જારોની સંખ્યામાં કર્મચારીઓ સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા તેમ છતા પોલીસને ગંધ આવી ન હતી આખરે સચિવાલયના દરવાજા તાબડતોબ બંધ કરી કર્મચારીઓને અટકાવ્યા હતા. સામાન્ય બળ પ્રયોગ કરીને સેંકડો કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

કર્મચારીઓ પોતાની માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા

વિધાનસભાની ચૂંટણી પહેલા જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતની ઘણી માંગણીઓ સાથે કર્મચારી મંડળોએ આંદોલન છેડયું હતું જેના પગલે તે વખતે શરતો સાથે જુની પેન્શન યોજના લાગુ કરવા સહિત વિવિધ માંગણી મૌખિક સ્વિકારવામાં પણ આવી હતી પરંતુ તેમાંથી એક પણ રજુઆત હજુ સુધી સંતોષમાં આવી નથી આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓ આ વખતે માંગણીઓ પુરી કરાવવા માટે મેદાને ઉતરી પડયા છે અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ શિક્ષકો, આરોગ્ય કર્મી, સચિવાલયના કર્મચારીઓ, બિન સચિવાલયના કર્મચારી સહિત તમામ વિભાગના કર્મચારીઓ આંદોલનમાં જોડાઇ ગયા છે.આંદોલનના ભાગરૃપે અગાઉ શાંતિથી ગાંધીચિંધ્યા માર્ગે હાળી પટ્ટી-કાળા કપડા ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, મંજુરી નહીં હોવા છતા ગાંધીનગરમાં ધરણાં પણ કરાયા હતા તો સરકારે પગલા લેવાની ધમકી આપી હોવા છતા કર્મચારીઓ પેન ડાઉનમાં જોડાઇને પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી પરંતુ સરકારે કોઇ હકારાત્મક વલણ અપનાવ્યું ન હતું જેથી આજે કર્મચારીઓએ મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેના પગલે આજે સવારે એકાએક હજ્જારો કર્મચારીઓ જુના સચિવાલયના ગેઇટની બહાર નવા સચિવાલય પાસે પહોંચી ગયા હતા. જેના પગલે પોલીસ સહિત અન્ય એજન્સીઓ પણ દોડતી થઇ ગઇ હતી. હજ્જારો કર્મચારીઓ સચિવાલય તરફ ધસી આવતા હોવાનું જાણીને તાત્કાલિક સચિવાલયના ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે અહીં બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, જુના સચિવાલયના ગેટ પાસે જ તમામને અટકાવીને તબક્કાવાર ધરપકડનો સિલસિલો પણ શરૃ કરવામાં આવ્યો હતો. આખરે દસ વ્યક્તિના પ્રતિનિધિ મંડળને સચિવાલય લઇ જવામાં આવ્યા હતા અને સરકારના સામાન્ય વહિવટ વિભાગમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જો કે,આ વખતે જ આવતીકાલ શનિવારે ચૂંટણીની જાહેરાત થઇ જવાના મેસેજ વાયરલ થતા કર્મચારીઓમાં નિરાશા જોવા મળી હતી.

પ્રતિનિધિ મંડળે તમામ કર્મચારીઓના આવેદનપત્રો સામાન્ય વહિવટ વિભાગમાં આપ્યા

ગાંધીનગર સ્થિત સચિવાલયમાં મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપીને જુની પેન્શન યોજના લાગુ કરવા તથા ફિક્સ પગારની નોકરીની પ્રથા નાબુદ કરવાની રજુઆત કરવાનો કાર્યક્રમ મહામંડળ અને સંયુક્ત મોરચાએ આપ્યો હતો. જેના અનુસંધાને સવારે મોટી સંખ્યામાં કર્માચારીઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે સચિવાલય ધસી જવા માટે કૂચ શરૃ કરી હતી. જુના સચિવાલયથી બહાર નિકળતા જ તેમને ત્યાં અટકાવી રાખવામાં આવ્યા હતા અને ધરપકડનો દૌર શરૃ કરીને પ્રતિનિધિ મંડળ સ્વરૃપે 10 વ્યક્તિઓને નવા સચિવાલયમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી હાજર નહીં હોવાને કારણે પ્રતિનિધિ મંડળે તમામ કર્મચારીઓના આવેદનપત્રો સામાન્ય વહિવટ વિભાગમાં આપ્યા હતા.

આજે બપોરે ચૂંટણી જાહેર થવાના મેસેજથી કર્મચારીઓમાં નિરાશા

લોકસભાની ચૂંટણીના દોઢ મહિના પહેલા ગુજરાતમાં કર્મચારીઓએ જુની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઇને આંદોલનના મંડણ કર્યા હતા પરંતુ સરકારે કોઇ મચક નહીં આપતા આજે હજ્જારો કર્મચારીઓ ગાંધીનગર સચિવાલય ધસી આવ્યા હતા અને મુખ્યમંત્રીને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં જુના સચિવાલયના ગેઇટ પાસે જ તેમને અટકાવવામાં આવ્યા હતા. તે વખતે જ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આવતીકાલે શનિવારે બપોરે દોઢ કલાકે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી હતી.આ મેસેજ કર્મચારીઓના ગૃ્રપમાં પણ વાયરલ થતા આવતીકાલે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે અને તે પહેલા રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ રીતે પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે તેમ કર્મચારીઓએ માની લીધું હતું જેનાથી કર્મચારીઓમાં નિરાશા પણ ફેલાઇ હતી.

કર્મચારીઓની અટકાયત કરવામાં પોલીસ થાકી ગઇ : વાહનો ખુટી પડયા

હજ્જારોની સંખ્યામાં કર્મચારીઓ આજે તો કોઇ પણ જાણ કર્યા વગર જુના સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપવા નવા સચિવાલય ધસી ગયા હતા જે સમયે પોલીસે સચિવાલયને કિલ્લેબંધીમાં કેદ કરી દીધું હતું અને જુના સચિવાલયના દરવાજા પાસે જ કર્મચારીઓને અટકાવી દીધી હતા એટલુ જ નહીં, ત્યાંથી કર્માચરીઓ જગ્યા નહીં છોડતા ધરપકડનો દૌર શરૃ કર્યો હતો. જેમાં એક પછી એક વાહનો લગાવીને તેમાં ડિટેઇનનો સિલસિલો શરૃ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ પાસે વાહનો ખુટી પડયા હતા પણ કર્મચારીઓ ત્યાંથી હટયા ન હતા. ડિટેઇન કરેલા પાંચસોથી વધુ કર્મચારીઓને કરાઇ એકેડમી, ડીએસપી કચેરી તથા સે-૨૧ પોલીસ સ્ટેશને એમ અલગ અલગ જગ્યાએ રાખવાની ફરજ પડી હતી.

ગુજરાતના સરકારી કર્મચારીઓ લડાયક મૂડમાં, પડતર માગણીઓ સાથે સચિવાલયમાં 'હલ્લાબોલ' 2 - image


Google NewsGoogle News