રાજકોટ બસ પોર્ટમાં પાર્કિંગનાં નિયત ભાડાંના એસટીએ નવાં બોર્ડ લગાવ્યા
પાર્કિંગનાં નામે મુસાફરો લૂંટાતા હોવાની ફરિયાદો બાદ પાર્કિંગમાં 50 પીલર અને આઠ સ્થળે નવાં ભાવપત્રક મુકી મુસાફરોને વધુ ચાર્જીસ ન ચૂકવવા તંત્રની અપીલ
રાજકોટ, : રાજકોટ શહેરમાં કરોડોનાં ખર્ચે નવુ બસ પોર્ટ બનાવવામાં આવ્યા બાદ પાર્કિંગમાં કોન્ટ્રાકટર દ્વારા એસટી તંત્ર અને ખાનગી એજન્સી વચ્ચે થયેલા કરાર મુજબ નિયત ભાડું વસુલવાને બદલે બે થી ચાર ગણું વધુ ભાડું વસુલવામાં આવતુ હોવાની ફરિયાદો બાદ અંતે આજે એસટી તંત્રએ કાર્યવાહી કરી મંજૂર થયેલા ભાવના બોર્ડ લગાવી મુસાફરોને નકકી કરેલા ભાડા કરતા વધુ ભાડું ન ચૂકવવા અપીલ કરી છે.
નવા બસ પોર્ટમાં ટુ વ્હીલરનાં મંજૂર થયેલું ભાડું ચાર કલાકનાં રૂ. 5 અને ફોર વ્હીલરનાં ભાવ રૂ. 10 જયારે 24 કલાકનાં ટુ વ્હીલરનાં રૂ. 10 અને ફોર વ્હીલરનાં રૂ. 25 વસુલવા માટે કોન્ટ્રાકટર સાથે એસટી તંત્રએ કરાર કર્યા હતા પરંતુ કોન્ટ્રાકટરે આ ભાડાને બદલે બે થી ચાર ગણાં સુધી વધુ ભાડુ વસુલ કરતા બોર્ડ લગાવી મુસાફરો પાસેથી વધુ ભાડું વસુલ કરવામાં આવતું હતુ. આ અંગે અગાઉ ફરીયાદો ઉઠતા એસટી તંત્રએ કોન્ટ્રાકટરોને અનેક વખત નોટીસ આપી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવતા ન હતા.
દરમિયાન ગઈકાલે રવિવારે એસટી અધિકારીઓએ પાર્કિંગ સ્થળની મુલાકાત લીધી હતી અને ખાનગી એજન્સીને તાકીદ કરી હતી કે સોમવારથી મંજૂર ભાડું વસુલતું ભાવપત્રક નહિ લગાવવામાં આવે તો એસટી તંત્ર નવુ ભાડાપત્રકનું બોર્ડ લગાવી દેશે અને તેનો ખર્ચ એજન્સી પાસેથી વસુલાશે. દરમિયાન આજે બપોર બાદ એસટી વિભાગની ટીમે પાર્કિંગમાં 50 પીલર અને બસ પોર્ટમાં આઠ સ્થળે મંજૂર થયેલા ભાડાનું નવા સ્ટેન્ડી બોર્ડ મુકાયા હોવાનું એસટી વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યુ હતુ. મુસાફરોને પણ આ નકકી કરાયેલા ભાવથી વધુ ચાર્જીસ ન ચૂકવવા નહિ અને કોઈ માગે તો કોન્ટ્રાકટરની ઓફિસ અથવા જીએસઆરટીસી સુપરવાઈઝરને ફરિયાદ કરવા અપીલ કરાઈ છે. બસ પોર્ટમાં પાર્કિંગનાં નામે લોકો પાસેથી વધુ નાણાં લેવામાં આવતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. રાજકોટ એસટી બસ પોર્ટ પર રોજની આશરે ૧૧૦૦ બસનું આવાગમન છે અને સેંકડો લોકો અપડાઉન કરતા હોય છે તેઓ પોતાનાં વાહન પાર્કિંગમાં મુકતા હોય છે.