જામનગર એસટી વિભાગ દિવાળીના તહેવારો દરમિયાન 14 એકસ્ટ્રા બસો દોડાવાશે : ગ્રૂપ બુકીંગ ઉપર એકસ્ટ્રા બસની સુવિધા
Jamnagar GSRTC Bus : દિવાળીના તહેવારને લઈને કોઈ મુસાફરોને આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે જામનગરના એસ.ટી. વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, ધ્રોલ, ખંભાળીયા અને જામજોધપુર એસ.ટી.ડેપો ખાતેથી વધુ 14 એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું છે, અને 51 મુસાફરો એક જ સ્થળના સાથે બુકીંગ કરાવશે તો તેમને એકસ્ટ્રા બસ ફાળવવાની સુવિધા અપાશે.
જામનગર માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.29/10/2024થી તા.10/11/2024 સુધી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે.
આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી.નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી.બસોનો વધુમાં ઉપયોગ કરવા એસ.ટી. વિભાગ જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
દ્વારકા-જામનગર રૂટ પર ભાડુ રૂ.184, દ્વારકા-રાજકોટ માટે 249, દ્વારકા-પોરબંદર માટે 157, દ્વારકા- સોમનાથ માટે 263, દ્વારકા-જુનાગઢ માટે 238, જામનગર-દાહોદ માટે 395, જામનગર-સંજેલી માટે 382, જામનગર-જુનાગઢ માટે 190, જામનગર-ઝાલોદ માટે 388, ધ્રોળ- દાહોદ માટે 375, ધ્રોળ-મંડોર માટે 400, જામનગર-છોટાઉદેપુર માટે 388, ખંભાળિયા-દાહોદ માટે 425 તથા જામજોધપુર-દાહોદ આવવા જવા માટે રૂ.449 રૂપિયા ભાડુ નિર્ધારિત કરવામાં આવ્યું છે.