ડાકોરમાં SRP જવાન અને મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર દારૂ પીધેલા ઝડપાયા
- ખેડા જિલ્લામાં દારૂબંધીના લીંરેલીરા ઉડયાં
- ચૂંટણી ફરજ ઉપર દારૂ પીને આવનારા બંને સરકારી કર્મચારી વિરૂદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પૂર્વે શનિવારની રાત્રે પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા જવાનો મતદાન મથકે હાજર થયા હતા. ડાકોરમાં ચૂંટણી બંદોબસ્તમાં ફાળવાયેલા એસઆરપી જવાન પ્રવિણ બી. પરમાર શનિવારે સાંજે વર્ધીમાં દારૂ પીધેલી હાલતમાં હતા. તેમજ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં રૂમ નં.૩૦ પાસે તેની ફરજ હતી, જ્યાં ફરજ ઉપર ન પહોંચતા પોલીસ કર્મચારીએ કન્ટ્રોલ રૂમમાં વર્ધી લખાવી હતી. આ અંગે ડાકોર પોલીસે એસઆરપી જવાન પ્રવિણ પરમાર સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે મતદાનના દિવસે મહેમદાવાદ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. પાંચના મતદાન મથક-૩ પર ફરજ ઉપર હાજર પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિરેન્દ્રસિંહ સરકારી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બનાવની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરને ખસેડી દેવામાં આવ્યા હતા અને મહેમદાવાદના ચૂંટણી અધિકારી પાસે મોકલવામાં આવ્યા હતા. તેમજ મહેમદાવાદ પોલીસ મથકે વિરેન્દ્રસિંહ સામે ગુનો નોંધ્યો હતો. દારૂબંધી ધરાવતા રાજ્યમાં ચૂંટણી દરમિયાન બે સરકારી કર્મચારીઓ જ દારૂ પીને ફરજ ઉપર આવતા દારૂબંધીના લીરેલીરા ઉડાડયા હતા.