Get The App

રાજ્ય સરકાર બેકફૂટ પર, ગીર ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધથી ફફડેલી સરકારે સરપંચોને બોલાવ્યા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
રાજ્ય સરકાર બેકફૂટ પર, ગીર ઇકો સેન્સિટિવ ઝોન સામે વિરોધથી ફફડેલી સરકારે સરપંચોને બોલાવ્યા 1 - image


Gir Eco Sensitive Zone: ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહના રક્ષણ ખાતર ગીર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવા ડ્રાફ્‌ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જોકે, ઇકો સેન્સિટિવ ઝોનના અમલથી ખેતીના કામથી માંડીને બાંધકામ સુધીના કાર્યમાં રાજ્ય વન વિભાગનુ નિયંત્રણ આવી જશે જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે.

આ જોતાં વિસાવદર, અમરેલી, ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી છે. આ જોતાં રાજ્ય સરકારે બેકફૂટ પર આવવા મજબૂર થવુ પડ્યું છે. વિસાવદરના 29 ગામના સરપંચોને ગાંધીનગર તેડાવાયાં હતાં જ્યાં વન મંત્રીએ બેઠક યોજીને સરપંચોને સમજાવ્યા હતાં. 

સિંહોનું રક્ષણ કરવું કે  સ્થાનિકોને સાંભળવા, ખુદ ભાજપના ધારાસભ્યો પણ વિરોધમાં

ગીર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સૌરાષ્ટ્રભરના લોકો સરકારથી ભારોભાર નારાજ છે. સ્થાનિકોનું કહેવું છે કે, ઇકો  સેન્સિટિવ ઝોનનો અમલ થશે તો, ખુદ ખેડૂતો જ પોતાના ખેતરમાં કૂવો કે બોર કરવું હશે તો વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખનીજ ખનનથી માંડીને હોટલ-રેસ્ટોરન્ટ, રિસોર્ટ કે કોઇપણ બાંધકામ કરવું હશે તો વન વિભાગની મંજૂરી ફરજિયાત છે. વૃક્ષછેદન જ નહીં, રસ્તા બનાવવા હોય, વીજળી કે મોબાઇલ ફોનના ટાવર લગાવવા હોય, કોઇ ઉદ્યોગ,મતસ્ય પાલન પ્રવૃતિ, ડેરી ઉદ્યોગ, પોલ્ટીફાર્મ, ઇંટના ભઠ્ઠા શરૂ કરવા હોય તો મંજૂરી સિવાય કરી શકાશે નહી. 

છેલ્લા કેટલાય દિવસોથી આ મામલે લડત લડતા આપ નેતા પ્રવિણ રામનું કહેવું છે કે, કોઇપણ પ્રવૃતિ માટે એનઓસી મેળવવા ખેડૂતોથી માંડીને સ્થાનિકોએ એનઓસી મેળવવા વનવિભાગની કચેરીએ ધક્કા ખાવા પડશે. દાનદક્ષિણા આપવી પડશે. વનવિભાગની કનડગતને કારણે જ વિરોધ થઇ રહ્યો છે. બાકી તો, સિંહના રક્ષણને લઇને સૌરાષ્ટ્રની જનતા સરકારની પડખે છે. 

હાલ ગીર ઇકો સેન્સિટિવ ઝોનનો ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે આજે વિસાવદરના 29 ગામના સરપંચોને ગાંધીનગરનું તેડું મોકલાયું હતું. આ બધાય સરપંચો સાથે વનમંત્રી મુળુ બેરા સાથે બેઠક થઇ હતી જેમાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ તરફ, ગીર સોમનાથમાં લોકોને ગીર ઇકો  સેન્સિટિવ ઝોન મુદ્દે સમજ આપવા સ્થાનિક તંત્રેએ બેઠકોનું આયોજન કર્યુ હતું પણ ઠેર ઠેર  બેઠકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે. 

આ ઉપરાંત 19મીએ ગીર ગઢડામાં એક સંમેલન યોજવામાં આવ્યું છે. સાથે સાથે 24મીએ વિસાવદરમાં વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયુ છે. આ મુદ્દે ખુદ ભાજપના પાંચેક ધારાસભ્યો પણ મેદાને પડ્યા છે. આ બધાય ધારાસભ્યોએ પણ વનમંત્રી સાથે મુલાકાત કરી વિરોધ નોંધાવ્યો હતો. આમ, ગીર ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકારને ગળે હાકડું ભરાયું છે. આ વિરોધવંટોળ ઠારવા સરકાર હવે ધમપછાડા કરી રહી છે. 




Google NewsGoogle News