વડોદરામાં કોર્પોરેશન દ્વારા ત્રણ બ્રિજની નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ શરૂ કરાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ લાલબાગ, ફતેહગંજ અને હરિનગર બ્રિજ નીચેની જગ્યામાં રમતગમત અને આનંદ પ્રમોદની પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યું છે આ માટે કોર્પોરેશને માટે રસ ધરાવતી કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી કામગીરી કરાવવા ઓફરો મંગાવી છે. આ માટે તારીખ 21 સુધીમાં કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ઓફિસમાં ડોક્યુમેન્ટ પહોંચતા કરવા જણાવ્યું છે. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં પણ આ સંદર્ભે ઉલ્લેખ કરવામાં આવેલો છે અને તે માટે એક કરોડનો ખર્ચ અંદાજ્યો છે.
અગાઉ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક બાદ સમગ્ર સભામાં આ સંદર્ભે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. શહેરમાં બનેલા ફ્લાય ઓવર બ્રિજ નીચે ગંદકી અને દબાણો દૂર થાય તે માટે બ્રિજની નીચેની જગ્યા ડેવલપ કરી ત્યાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની આ દરખાસ્ત હતી. ટાઉન પ્લાનિંગ સમિતિમાં જે દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમાં જણાવાયું હતું કે શહેરમાં છેલ્લા વર્ષોમાં ઘણા ફ્લાય ઓવર બ્રીજ બન્યા છે. આ ફ્લાય ઓવર બ્રીજની નીચેની જગ્યા ખુલ્લી હોવાને કારણે કેટલીક જગ્યાઓએ ગેરકાયદે દબાણો થયેલા છે, તો કેટલીક જગ્યાઓએ કચરાનાં ઢગલા અને ઉકરડા થઇ ગયેલ છે. કરોડો રૂપીયાના બ્રીજ બન્યા બાદ બ્રીજની નીચેની આવી પરિસ્થિતના કારણે શહેરની શોભા વધતી નથી, ત્યારે શહેરમાં તમામ ફ્લાય ઓવર બ્રીજની નીચે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ થાય તેવી લાગણી કોર્પોરેટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા શહેરમાં બનાવેલા ઓવર બ્રિજ નીચે ભિક્ષુકો, શ્રમજીવીઓ, ફુગ્ગાવાળાઓ અને બેઘર લોકો ઉપરાંત ઢોરોનો જમેલો હોય છે. જેઓ સતત ગંદકી ફેલાવતા રહે છે. આ લોકો જાહેરમાં નાહવા ધોવાનું રાખે છે. બ્રિજ નીચે જ ખાવા પીવાનું બનાવતા હોય છે. તેઓને વારંવાર ખદેડવા છતાં ફરી પાછા ત્યાં આવી જાય છે. જો બ્રિજ નીચે આનંદ પ્રમોદની અને રમતગમતની પ્રવૃત્તિ શરૂ થાય તો બ્રિજની નીચે ગેરકાયદે દબાણો અને ગંદકીનું ન્યુસન્સ દૂર થઈ શકે તેમજ બ્રિજની નીચેનો લુક પણ બદલાઈ શકે.