સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગ માટે ખાસ વોર્ડ, આજે કલેક્ટરની મીટીંગ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગ માટે ખાસ વોર્ડ, આજે કલેક્ટરની મીટીંગ 1 - image


મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ કેથલેબ સપ્તાહથી બંધ ! આજે શરૂ થશે  રાજકોટમાં બે દિવસમાં હાર્ટ એટેક, કાર્ડિયાક એરેસ્ટથી 9ના મોતથી ચિંતા, મનપાનું સુસ્ત વલણ, એડવાઈઝરી સાથે આદેશાત્મક સૂચનાની પણ જરૂર 

રાજકોટ, : રાજકોટમાં ગત બે દિવસમાં 9 યુવાનોના હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટથી મોત નીપજ્યાની ઘટના અને અગાઉ પણ આવો સિલસિલો જારી હોય, તેમજ હાલ સપ્ટેમ્બર માસમાં કાર્ડિયાક ઈમરજન્સીના કેસો ૧૦૮ સહિત સર્વિસમાં ઘટવાને બદલે ઉલ્ટુ વધી રહ્યા હોય યુવાનો અને તેથી વિશેષ વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ અન્વયે આજે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલે નવરાત્રિ તહેવારો દરમિયાન સિવિલમાં હૃદયરોગ માટે ૪૦ બેડ સાથે ખાસ વોર્ડ  ઉભો કરવાનો નિર્ણય લીધો છે જ્યારે જિલ્લા કલેક્ટર આવતીકાલે દાંડિયારાસના આયોજકો સાથે બેઠક યોજી છે.

મુખ્યમંત્રીએ સિવિલમાં હૃદયરોગ માટે અદ્યતન કેથલેબનું લોકાર્પણ કર્યાના પખવાડિયામાં તે કેથલેબ ટેકનીકલ ફોલ્ટથી બંધ થયેલ છે અને આઠ-દસ દિવસથી તે બંદ છે. આ અંગે સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે આવતીકાલે કેથ લેબ પુન: પૂર્વવત્ ચાલુ કરી દેવાશે અને ત્રણ દર્દીઓને સારવાર શરૂ કરી દેવાશે. તા.૧૪થી હાર્ટએટેક જેવા કેસો માટે ખાસ વોર્ડ કાર્યરત થશે. 

જ્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું કે દાંડિયારાસ સહિત આયોજનોના સંચાલકોને કોઈહૃદયરોગથી બેભાન થાય તો પ્રાથમિક સારવાર (સીપીઆર) કઈ રીતે આપવા તેની ટ્રેનીંગ આપવા, આયોજન સ્થળે પ્રાથમિક સારવારની સુવિધા, અતિ શ્રમ કે તણાવ ન થાય તેનું ધ્યાન રાખવા સહિતની તાકીદ કરાશે. ઉપરાંત મહાપાલિકા, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, મેડીકલ એસો.વગેરે સાથે સંકલન સાધીને હાર્ટએટેકના વધતા કેસથી બચવા એડવાઈઝરી જારી કરવાનું પણ વિચારાયું છે. 

ઉલ્લેખનીય છે કે અર્વાચીન દાંડિયારાસમાં વોલ્યુમ હાર્ટબીટ વધારી દે એટલા ઉંચા રખાય છે જે નોઈઝ પોલ્યુશનના નોર્મસ અને પોલીસ કમિશનરના જાહેરનામાથી પણ વિપરીત છે ત્યારે તેનું પાલન થવું જરૂરી છે. દાંડિયારાસ માત્ર નવ દિવસ નહીં પણ પખવાડિયું ચાલતા હોય છે. વળી, કેસો અત્યારે જ વધી રહ્યા છે ત્યારે નવરાત્રિ પુરતા આયોજનને બદલે તાત્કાલિક અમલમાં મુકીને કમસેકમ દિવાળી સુધી આ માટે તંત્રએ આયોજન કરવાની જરૂર છે. 


Google NewsGoogle News