જામનગરમાં સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો
Jamnagar : ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ ડી.જી.પી. જમન કે.ભંડેરીએ સંવિધાનના મહત્વ અંગે પ્રવચન આપ્યું હતું. તેમણે સંવિધાનને દેશની આત્મા ગણાવતાં જણાવ્યું હતું કે, સંવિધાન દરેક નાગરિકને સમાનતા અને ન્યાય આપે છે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સિનિયર એડવોકેટ હિતેન ભટ્ટે બંધારણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે સંવિધાનની વિવિધ જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં એ.ડી.જી.પી., જામનગર બાર એસોસિએશનના હોદ્દેદારો, શહેરના રાજકીય આગેવાનો, જામનગર શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને પી.આઈ., પી.એસ.આઈ. હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંવિધાન પ્રત્યેના નાગરિકોની જવાબદારી અને ફરજોને સમજાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.