રાજ્યમાં કાળઝાળ ગરમીમાં અંબાજીમાં યાત્રાળુ માટે ઍર કુલરની ખાસ વ્યવસ્થા, ઠંડી છાસનું પણ વિતરણ
Ambaji Temple : ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે ઍર કુલર અને પીવાના પાણી સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતી હોય છે. આ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી મંદિર ખાતે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી આવતી યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે મંદિર ખાતે ઠેરઠેર ઍર કુલર, પીવાના પાણી અને નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી સેવાનો દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. આ મામલે અધી કલેક્ટરે જણાવ્યું હતું કે, 'અંબાજી મંદિરના દર્શન કરવા માટે આવતા ભાવિભક્તોને ગરમીમાં છાયડો અને રાહત મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.'