આણંદ જિલ્લામાં ભાલિયા ઘઉંનું 12,309 હેક્ટરમાં વાવેતર ઘટયું
પાછોતરો વરસાદ, ખેતરમાં પાણી ભરાઇ રહેતા ખેડૂતો અન્ય પાક તરફ વળ્યાં
તારાપુર, ખંભાત અને સોજિત્રા તાલુકામાં ભાલિયા ઘઉંનું ૩,૬૯,૨૭૦ ક્વિન્ટલ ઉત્પાદન ઘટવાનો અંદાજ ઃ જિલ્લામાં ૨૭,૬૮૨ હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર
આણંદ: ભાલિયા ઘઉંના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા આણંદ જિલ્લાના તારાપુર, ખંભાત અને સોજિત્રા પંથકમાં ચાલુ વર્ષે રવી સીઝનમાં ૨૭,૬૮૨ હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે રવી સીઝનમાં આણંદના ભાલ પંથકમાં ૩૯,૯૯૧ હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર કરાયું હતું. પરિણામે ચાલુ વર્ષે ૧૨,૩૦૯ હેક્ટરમાં ભાલિયા ઘઉંનું ઓછું વાવેતર થયું છે.
આણંદ ખેતીવાડી અધિકારી ચેતન પટેલે જણાવ્યું હતું કે, ભાલ પંથકમાં ઉત્પાદનની સરેરાશ અંદાજે પ્રતિ હેક્ટર ૨,૯૦૦થી ૩,૫૦૦ કિલો સુધી એટલે કે ૨૯થી ૩૫ ક્વિન્ટલ સુધીની આવતી હોય છે. જેમાં જમીન અને ખેડૂતોની માવજત ઉપર ઉત્પાદનની અસરો જોવા મળતી હોય છે.
ખેતીવાડી વિભાગના ઉત્પાદનની સરેરાશ જોતા ચાલુ વર્ષે ૮,૩૦,૪૬૦ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગત વર્ષે અંદાજે ૧૧,૯૯,૭૩૦ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થયું હતું. જેથી ચાલુ વર્ષે અંદાજે ૩,૬૯,૨૭૦ ક્લિન્ટલ ઘઉંના ઉત્પાદનમાં ઘટ આવે તેવો અંદાજ ખેડૂતો દ્વારા સેવાઈ રહ્યો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જિલ્લામાં પડેલા ભારે પવન સાથેના વરસાદના કારણે તારાપુર, ખંભાત, સોજિત્રા સહિતના તાલુકામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી સમયસર ન ઓસરતા ચોમાસુ ડાંગરને નુકસાન પહોંચ્યું હતું. તેમજ રવી સીઝનમાં ઘઉંના વાવેતર માટે સમય વિતિ જતાં સોજિત્રા, તારાપુર અને ખંભાતમાં ખેડૂતોએ ઘઉંના બદલે ઉનાળું ડાંગરની વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ ઘઉંના પોષણક્ષમ ભાવો ન મળવા, યુરિયા ખાતરની તંગી, કનેવાલ તળાવમાંથી આપવામાં આવતું પાણી સહિતના પરિબળો પણ ઘઉંના ઓછા વાવેતર પાછળ જવાબદાર હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
પ્રતિ ક્વિન્ટલ રૂ.૨,૪૨૫ લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા રવી માર્કેટિંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત પ્રતિ ક્વિન્ટલ રૂ.૨,૪૨૫ના લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે કરાવવાની રહેશે.
આણંદ જિલ્લામાં તાલુકા દીઠ પિયત ઘઉંનું વાવેતર |
|
તાલુકો |
વાવેતર(હેક્ટરમાં) |
આણંદ |
૨,૫૨૦ |
આંકલાવ |
૧૭૨ |
બોરસદ |
૬૫૫ |
ખંભાત |
૧૩,૧૫૪ |
પેટલાદ |
૧,૬૧૨ |
સોજિત્રા |
૩,૮૩૩ |
તારાપુર |
૧૦,૬૯૫ |
ઉમરેઠ |
૨,૩૨૮ |
કુલ |
૩૪,૯૬૯ |
આણંદ જિલ્લાના ભાલ પંથકમાં ઘઉંનું વાવેતર |
||
તાલુકો |
ગત વર્ષ |
ચાલુ વર્ષ |
ખંભાત |
૧૬,૦૨૨ |
૧૩,૧૫૪ |
તારાપુર |
૧૯,૫૮૭ |
૧૦,૬૯૫ |
સોજિત્રા |
૪,૩૭૨ |
૩,૮૩૩ |
કુલ |
૩૯,૯૯૧ |
૨૭,૬૮૨ |