Get The App

દ. ગુજરાતમાં ખોરવાયેલો વીજ પુરવઠો 90 ટકા પૂર્વવત થયો, ટૂંક સમયમાં 100 ટકા થઈ જશે: DGVCL

Updated: Mar 12th, 2025


Google News
Google News
દ. ગુજરાતમાં ખોરવાયેલો વીજ પુરવઠો 90 ટકા પૂર્વવત થયો, ટૂંક સમયમાં 100 ટકા થઈ જશે: DGVCL 1 - image
પ્રતિકાત્મક તસવીર

South Gujarat Power Disruption : સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે બુધવારે બપોરના 2:50 વાગ્યામાં વીજળી ડૂલ થઈ હતી. જેમાં 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી. જેથી ઉકાઈ, કાકરાપાર અને SLPP પાવર સ્ટેશન બંધ થઈ ગયા હતા. જેના કારણે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 32 લાખથી વધુ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા હતા. આ મામલે સુરતમાં ટોરેન્ટ પાવરની ઑફિસે પહોંચીને લોકોએ હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટના મામલે DGVCLએ જણાવ્યું છે કે, 90 ટકા વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે અને ટૂંક સમયમાં 100 ટકા વીજળી મળી રહેશે.

દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCLની કવાયત

DGVCLએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ખોરવાયેલા વીજ પુરવઠાને પુનઃસ્થાપન કરવાને લઈને પ્રાથમિકતાના ધોરણે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં, 90 ટકા વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે અને યોગ્ય કાળજી અને સાવચેતી સાથે વધુ પુનઃસ્થાપન પ્રયાસો શરુ છે. આજે બુધવારે સાંજે 7 વાગ્યા સુધીમાં સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થવાની અપેક્ષા છે. વધુમાં તારાપુર પરમાણુ પ્લાન્ટ અને SLPP એકમો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે અને ઉકાઈ થર્મલ એકમો ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. 

શું હતી સમગ્ર ઘટના?

ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છે, ત્યારે આજે બુધવારે (12 માર્ચ) સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજળી ડૂલ થઈ હતી. સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઇટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો. જ્યારે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હતું. 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી. સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આકરી ગરમી વચ્ચે સુરત, નવસારી સહિત દ.ગુજરાતમાં વીજળી ડૂલ, વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCLની કવાયત

મળતી માહિતી મુજબ, સૌ પ્રથમ વડોદરના આસોજ-કોસંબા લાઇન ટ્રીપ થઈ હતી. તેથી ઓછા વોલ્ટેજનો પ્રશ્ન ઊભો થયો હતો. જેમાં DGVCLની માગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે વીજળી ડૂલ થવાને લઈને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 45 તાલુકાના 3,461 ગામડા પ્રભાવિત થયા હતા. જેમાં 32 લાખથી વધુ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. 

Tags :
DGVCLGujaratSurat

Google News
Google News