દિકરાની શહીદીનું ગૌરવ છે : માતા જસીબેન
કારગીલ યુધ્ધમાં વીર શહીદ સ્વ. રમેશ જોગલનાં 75 વર્ષનાં માતાના શબ્દોમાં છલકાતી દેશભક્તિ : ભાણવડ તાલુકાના મેવાસા ગામનાં વતની શહીદ સ્વ. રમેશ જોગલ નિશાનબાજ ગનર હતો, માત્ર 21 વર્ષની વયે આર્ટીલરી વિસ્ફોટમાં શહીદ
રાજકોટ, : 'દિકરો ગુમાવ્યાનું દુ:ખ જરૂર છે પરંતુ દેશની સેવા કરનાર દિકરો શહીદ થયો હોવાથી આજે હું ગૌરવ અનુભવું છું' આ શબ્દો છે. ભાણવડ તાલુકાનાં મેવાસા ગામનાં કારગીલ યુધ્ધમાં શહીદી વહોરી લેનાર વીર શહીદ સ્વ. રમેશ વિક્રમભાઈ જોગલનાં 75 વર્ષનાં માતુશ્રી જસીબેનના તા.૨૬ જુલાઈનાં કારગીલ વિજય દિવસને યાદ કરી તેઓએ દેશની સરહદે નિષ્ઠાપુર્વક સેવા કરનારા તમામ જવાનોમાં પોતાના પુત્રનાં દર્શન થતાં હોવાનું જણાવ્યું હતું.
કારગીલ યુધ્ધ દરમિયાન 21 વર્ષની વયે શહીદ થનાર સ્વ. રમેશ જોગલ 141 ફિલ્ડ રેજીમેન્ટનાં એક અચ્છા નિશાનબાજ ગનર હતાં. તેઓ પોતાની બટાલીયનમાં નિશાન બાજીમાં હંમેશા પ્રથમ સ્થાન મેળવતા હતાં. ભાણવડ તાલુકાનાં નાના એળા મેવાસા ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ ભાણવડની એમ.વી. ઘેલાણી હાઈસ્કુલમાં ધો. 12 સાયન્સ સુધીનો અભ્યાસ કરનાર સ્વ. રમેશ જોગલને દેશ સેવામાં બાણપણથી જ રસ હતો. સ્વતંત્રતાની લડાઈમાં બલીદાન આપનારા વીરપુરૂષોની કથા તેને રોમાંચિત કરી દેતી દિકરા રમેશનાં બાળપણનાં દિવસો યાદ કરી માતા જસીબેને જણાવ્યું હતું કે, રમેશ માત્ર ત્રણ વર્ષનો હતો ત્યારે જ પિતાની છત્રછાયા તેણે ગુમાવી દીધી હતી. પાંચ સંતાનોનાં ઉછેરની જવાબદારી એ સમયે મારા ઉપર હતી. પરંતુ ઈશ્વરમાં ભરોસો રાખીને મહેનત કરતી રહી એ સમયે તો રમેશ મામાનો ઘેર જામગનર ગયો હતો. ત્યાં તેનાં મિત્રો તેને મળી ગયાં. તેણે મિત્રોને પુછયુ કે કેમ તમો અહી આવ્યો છો? ત્યારે મિત્રોએ લશ્કરમાં ભરતી મેળાની વાત કરી. રમેશ મિત્રોને કહ્યું મારે પણ દેશ ભક્તિનાં કામમાં જોડાવવું છે. તેથી મામાની રજા લઈ સીધો ભરતી મેળામાં પહોંચી ગયો. ત્યાં શારીરિક કસોટીમાં પાર ઉતર્યા પછી મેવાસા ઘેર આવી અને વાત કરી કે 'બા હું દેશ સેવા કરવા માગું છું, તેથી લશ્કરનાં ભરતી મેળામાં જઈ આવ્યો છું, મને સેવા કરવાનાં આર્શિવાદ આપો. હું દર ત્રણ મહિને રજા લઈ તમને મોઢુ બતાવવા આવતો રહીશ' થોડા દિવસોમાં તેની લશ્કરમાં પસંદગી થઈ અને પોસ્ટીંગ કારગીલમાં થયું.
માતા જસીબેનની વાતને આગળ વધારતા કારગીલ યુધ્ધ પુર્વે કાકા રમેશભાઈ છુટ્ટીઓમાં રજા લઈ ઘેર આવ્યા હતાં. પરંતુ સમાચાર મળ્યા કે કાગલીમાં તનાવપુર્ણ સ્થિતિ છે. તમે આવી જાવ. તેથી કાકા સ્વ. રમેશભાઈ કારગીલ પહોંચ્યા દુશ્મનો ઉપર તોપનાં ગોળા વરસાવવાની તેમની ડયુટી હતી. એ સમયે આર્ટીલરી વિસ્ફોટમાં તેઓ શહીદ થયા. ચાર દિવસ બાદ પુરા માન સન્માન સાથે લશ્કરનાં અધિકારીઓ તેમનાં મૃતદેહને વતનમાં લાવ્યા. પુરા માન સન્માન સાથે અંતિમ વિધિ થઈ. મેવાસા ગામનો દિકરો દેશ સેવામાં શહીદ થયો હોવાથી આજે ગામની નિવી નિશાળમાં તેમની ખાંભી મુકવામાં આવી છે. શાળાનું નામ વીર શહિદ રમેશ જોગલ પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું છે. પરિવારજનોને સરકાર તરપથી તમામ પ્રકારની મદદ મળી છે.
માતા જસીબેને જમાવ્યું કે, કારગીલ વિજય દિવસ એ દેશ માંટે ગૌરવ દિન છે. પરંતુ કારગીલ યુધ્ધમાં શહીદ થયેલા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવાનો આ દિવસ છે. દેશ સેવા માટે જાનકુરબાન કરનારા આ સૈનિકોના બલિદાનથી ભારતમાતા હંમેશા ગૌરવ અનુભવશે