Get The App

માતાના ખુનનાં ગુનામાં આરોપી પુત્રને આજીવન કેદની સજા

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
માતાના ખુનનાં ગુનામાં આરોપી પુત્રને આજીવન કેદની સજા 1 - image


રાજકોટની એડી.ડીસ્ટ્રીક્ટ એન્ડ  સેસન્સ કોર્ટનો ચુકાદો

૨૦૨૦માં રોજના કંકાસથી કંટાળી માતાને માથામાં ધોકો ઝીકી પુત્રએ પતાવી દીધા હતાં

રાજકોટ :  જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તારમાં ૨૦૨૦માં શેઠાણીબેન નામના માતાને મોતને ઘાટ ઉતારી દેનાર પુત્ર આરોપી પ્રકાશ ઉર્ફે ઋત્વિક ઉપેન્દ્રભાઈ રાઠોડને કોર્ટે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.

આ મામલે મૃતકનાં મોટા પુત્ર  અરવિંદભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. એમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર ભાઈઓ છે. તે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટસમાં ભાડેથી રહે છે. જયારે આરોપી પ્રકાશ ઉર્ફે ઋચીત માતા શેઠાણીબેન સાથે એ જ વિસ્તારમાં ઝુપડામાં રહેતો હતો. ગઈ તા.૭.૬.૨૦૨૦નાં રાત્રે તેના પત્નિ ધરતીબેન અને ફઈનો દિકરો સાવન તેની માતાના ઘર તરફ જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં રીક્ષા સાથે મળેલા તેના ભાઈએ આરોપી પ્રકાશે તેમને મારે આપની માતા શેઠાણીબેન સાથે રાત્રે કામધંધો કરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. રોજનાં કંકાસથી કંટાળી મે ઝુપડામાં પડેલો ધોકો માતાને માથામાં મારતા તે લોહીલુહાણ હાલતમાં પડેલા છે. તારે દવાખાને લઈ જવી હોય તો લઈ જા તેમ કહી જતો રહ્યો હતો.

આથી અરવિંદભાઈ સહિતનાં માતાના ઘરે જતા તે લોહીલુહાણ હાલતમાં મળી આવતા ૧૦૮માં સિવિલમાં ખસેડાયા હતાં. જયાં તેનું મૃત્યું નિપજયું હતું. ફરીયાદ નોંધાવાતા ગાંધીગ્રામ પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું.

સરકારી વકીલની દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, સાહેદોની જુબાનીઓ ઉપરાંત મેડીકલ અને એફએસએલ પુરાવાઓ તેમજ સરકારી વકિલ દ્વારા રજુ કરવામાં આવેલ ઉચ્ચ અદાલતનાં ચુકાદાઓ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપી પ્રકાશને આઈપીસી કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ રોકાયા હતાં. 

rajkotked

Google NewsGoogle News