લાંભવેલમાં તલવારના ઉપરાછાપરી ઘા ઝીંકી સાસુની હત્યા કરનારા જમાઈને આજીવન કેદ
- 12 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ કોર્ટનો હુકમ
- છુટાછેડાની અદાવત રાખી પત્નીને મોકલી આપવાનું કહી શખ્સે 2021 માં અપશબ્દો બોલી હુમલો કર્યો હતો
ચકલાસીના જાદવપુરા વિરણિયા વિસ્તારમાં રહેતા નીકુંજ શશિકાંત બારોટના રંજનબેન પ્રવિણભાઈ પટેલની દીકરી તન્વી સાથે છુટાછેડા થઈ ગયા હતા. જેની અદાવત રાખીને નીકુંજ ગત તા. ૫ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ લાંભવેલ પંચાયત ભવન સામે કિરીટભાઈ રામભાઈ પટેલના ઘર સામે પહોંચ્યો હતો. છુટાછેડાની રીસ અને અદાવત રાખીને નીકુંજે તન્વીને મારા ઘરે મોકલી આપો તેવી બુમો પાડી દિશાબેનના પતિ પરેશભાઈ પટેલને અપશબ્દો બોલી, ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેમજ પોતાના સાસુ રંજનબેનને તલવારના અસંખ્ય ઘા ઝીંકી હત્યા કરી હતી. આ અંગે દિશાબેન પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નીકુંજ બારોટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શખ્સ સામે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી તા.૬ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આણંદ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં બંને પક્ષોના વકીલની દલીલો, ૧૨ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લાના પાંચમાં એડીશનલ સેશન્સ જજ એસ.કે. વ્યાસ દ્વારા નીકુંજ શશિકાંત બારોટને તકસીરવાન ઠેરવ્યો હતો. આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ રૂ.૫ હજાર દંડ ફટકાર્યો હતો.
આરોપીની સજા અંગે કુણુ વલણ અપનાવીએ તો સમાજમાં વિપરીત અસર થાય : કોર્ટ
કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, આરોપીએ નાની તલવારથી હુમલો કરીને અસંખ્ય ઘા ઝીંકી રંજનબેનનું મૃત્યુ નિપજાવી ખુન કરેલું હોવાનો ગુનો પુરવાર થયેલો છે. તેવા સંજોગોમાં આરોપીના કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં અને આરોપી પ્રત્યે સજા અંગે કુણુ વલણ રાખી શકાય નહીં. જો અદાલત દ્વારા કુણુ વલણ અપનાવવામાં આવે અથવા તો હળવાશથી લેવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર થાય. સમાજમાં દાખલો બેસે તે માટે કાયદાની જોગવાઈ મુજબ આજીવન કેદની સજાનો હુકમ ફરમાવાયો છે.