વડોદરાના ડભોઇ રોડ પર પુત્રનો માતા અને પિતા પર તલવારથી હુમલો
Vadodara Crime : વડોદરા શહેરના ડભોઈ રોડ પર પુત્રએ ટીવી તથા રીમોટ બગડી ગયેલ હોય ફેંકી દેવા કહેતા પિતાએ તું કમાઈને લાવ્યો નથી તેમ કહ્યું હતું. તેથી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તલવાર લઈને આવી માતા-પિતા પર હિંસક હુમલો કર્યો હતો. પિતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા જય નારાયણનગરમાં રહેતા ભુપેન્દ્રભાઈ દેવકીનંદન શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું રીક્ષા ડ્રાઈવીંગ કરી મારું તથા મારા પરિવારનું જીવન ગુજરાન ચલાવુ છું. ગત તા.14 ઓક્ટોબરના રોજ રાત્રીના આશરે સાડા આઠેક વાગે હું તથા મારી પત્ની મીનાબેન તથા પુત્ર આકાશ ટીવી જોવા બેઠા હતા. ત્યારે મારા પુત્ર આકાશે ટીવીનું રીમોર્ટ બગડી ગયેલ હોય તે બાબતે ટીવી તથા રીમોર્ટ બહાર ફેંકી દો તેમ કહેતા મેં તેને જણાવ્યું હતું કે ટીવી હું ખરીદીને લાવ્યો છું તું નથી લાવ્યો, તેમ કહેતા મારો પુત્ર પોતાના કપડા થેલામાં ભરીને મને જણાવ્યું હતું કે મારે આ ઘરમાં નથી રહેવું.
ત્યારબાદ ત્યાથી ક્યાંક જતો રહેશ અને આશરે રાત્રીના અગીયાર વાગ્યાની આસપાસ મારી ઘરની બહાર જોરથી અવાજ આવતા મારી પત્ની મીનાબેન ઘરેની નીચે આવી જોતા મારો પુત્ર આકાશ એક તલવાર લઈને ઉભો હતો. તે વખતે હું પણ ઘરની નીચે આવી ગયો હતો અને મારા ઘરેની નીચે ઉતરી જોતા રીક્ષાના આગળના ભાગનો કાચ તૂટેલ હતો. જેથી મે મારા પુત્ર આકાશને પુછ્યું કે આ ઓટો રીક્ષાનો કાચ કોણે તોડ્યો ? તે વખતે મારા પુત્રએ જણાવ્યું હતું કે મેં તોડયો છે. કાચ તોડવા બાબતે મારા પુત્રને કહેવા જતા તે એકદમ ઉશ્કેરાઈ જઈને બુમાબુમ કરી ગંદી ગાળો આપીને મારી સાથે ઝઘડો કરી તલવારથી મારા પર હુમલો કર્યો હતો. મારી પત્ની મીનાબેન છોડાવવા વચ્ચે પડતા તેના પર પણ મારા પુત્ર આકાશે તલવારનો ઘા કર્યો હતો. વાડી પોલીસે ગુનો નોંધી પુત્રને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.