સરદારની દ્રઢ પ્રતિજ્ઞાના કારણે જ સોમનાથ શિવાલયનો પુનરોદ્ધાર થયો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સરદારની દ્રઢ પ્રતિજ્ઞાના કારણે જ સોમનાથ  શિવાલયનો પુનરોદ્ધાર થયો 1 - image


મંદિરની દુર્દશા જોઈને સરદાર પટેલનું હૃદય ગમગીન બન્યું હતુ : સાગરકાંઠે જઈ જમણા હાથની હથેળીમાં અંજલિ લઈને દ્રઢ સંકલ્પ કર્યો હતો કે સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થઈ ને જ રહેશે : જૂનાગઢ આઝાદ થયા પછી 13મી નવેમ્બરે સરદાર ખાસ રેલવે સલૂનમાં આવી આઝાદી પછીનું પહેલું કામ મંદિરની દુર્દશા નિવારવાનું કર્યું

પ્રભાસપાટણ, : આજે તા. 31મીના રોજ  લોખંડી મનોબળ વાળા યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો  જન્મદિવસ છે એ વખતે સરદાર પટેલના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને પુનરોદ્ધારના સંકલ્પના સંસ્મરણો તાજા થઈ રહ્યા છે. પ્રાચીન સોમનાથ શિવાલયની દુર્દશા જોતાની સાથે જ એમનું હૃદય હચમચી ઉઠયું હતુ. એમણે સમુદ્રના જળની અંજલિ લઈને સોમનાથ મહાદેવ મંદિરનો પુનરોદ્ધાર કરવાની લોખંડી સંકલ્પ કર્યો હતો, જેના કારણે સોમનાથની જાહોજલાલી ફરી પ્રસ્થાપિત થઈ છે.

9મી નવેમ્બરે જૂનાગઢ વિધિવત્ત રીતે આઝાદ થયા પછી સરદાર પટેલ ખાસ સલુનવાળી ટ્રેનમાં તા. 13મી નવેમ્બરે  પ્રભાસપાટણ આવ્યા હતા. એમણે મંદિરની મુલાકાત લીધી એ વખતે થોડીવાર તેઓ ઉંડા વિચારમાં ખોવાઈ ગયા હતા. એ પછી મંદીરની પાસે જ આવેલા ઘૂઘવતા સમુદ્ર કાંઠે જઈને જમણા હાથની હથેળીમાં અંજલિ લઈને દ્રઢ સંકલ્પ કર્યો હતો કે સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ થઈ ને જ રહેશે અને આ મંદિરના નવનિર્માણ વિના ભારતને મળેલી આઝાદી અધૂરી જ રહેશે. જયારે મંદિર જોયું ત્યારે સભા મંડપમાં તૂટેલી ફરસ, ખંડિત સ્તંભો, વેરવિખેર પથ્થરો, અને અનેક ગરોળીઓના આવાસ જોયા હતા. મંદિરના પરીસરમાં કોઈ અધિકારીનો બાંધેલો ઘોડો હણહણતો હતો. આ જોઈ મુનશી અને સરદારે કહ્યું હતુ કે મારૂ મસ્તક શરમથી ઝુકી જાય છે. એ પછી મંદીરના કાંગરે જ રાષ્ટ્રધ્વજ ફરકાવી મેદનીને સંબોધી હતી. સરદાર જયારે પાટણ આવ્યા એ દિવસ બેસતા વર્ષનો પ્રથમ દિવસ હતો. 

ઘૂઘવતા અરબી સમુદ્રના કાંઠે બિરાજતા ભગવાન સોમનાથ મહાદેવ શિવાલયમાં તા. 11 મે 1951ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે ધાર્મિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જે તે સમય મહાદેવજીને ભારતની 108 નદીઓ, સાત સાગરોના જળથી જળાભિષેક કરાયો હતો.ે સવારે 9-46 મિનિટે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી.  દ્વારશાખ અને આગળના સ્તંભો, નૃત્ય મંડપ, સભાગૃહના કળશો સુવર્ણજડિત બન્યા છે. મંદિર નાગર શૈલીના મહામેરૂપ્રસાદ દેવાલય છે. આ મંદિરને સાત માળ છે. 

સોમનાથ મહાદેવ અને પ્રભાસક્ષેત્રને મધ્યમાં રાખી અનેક આદ્યાત્મિક અને ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે. આ ભૂમિમાં ભગવાન સોમનાથે ચંદ્રને કલંકમાંથી શાપમુકત કર્યો હતો, તો ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમિને જ દેહોત્સર્ગ માટે પસંદ કરી હતી. એક જમાને આ મંદિરની ભારે જાહોજલાલી હતી. આખું મંદિર સુવર્ણમય હતું, જે જાહોજલાલી હવે પાછી આવી  છે. આ મંદિરના ધ્વસ્ત અને નવનિર્માણ એમ સર્જન અને વિસર્જન પ્રક્રિયા વચ્ચે પણ સોમનાથ મહાદેવ શિવાલયનો સમગ્ર ભારતભરમાં ખૂબ જ દબદબો છે. હાલના ડિજિટલ યુગમાં લોકો રોજ રોજ મોબાઈલ ફોનના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન લાભ લઈ રહ્યા છે.


Google NewsGoogle News