નર્મદા ભારતની એકમાત્ર એવી નદી, જેની કરી શકાય છે પરિક્રમા
અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2018 શુક્રવાર
નર્મદા નદીને આપણે ગુજરાતની જીવાદોરી માનીએ છીએ. આ પવિત્ર નદીના દર્શનને સૌભાગ્ય માનનારાઓની સંખ્યા પણ ઘણી મોટી છે. એવામાં આ નદીની કેટલીક પ્રાચીન ખાસિયતો વિશે જાણવામાં દરેકને રસ પડશે.
પુણ્યસલિલા મેકલસુતા મા નર્મદા, જેના પુણ્ય પ્રતાપથી આપણે સૌ પરિચિત છીએ. આમ તો દરેક નદી સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જ હોય છે પરંતુ નર્મદા નદીની વાત જ અનોખી છે.
- ભારતની આ એકમાત્ર એવી નદી છે જેનું પુરાણ છે. તેમજ આ એક એવી નદી છે. જેની લોકો પરિક્રમા કરી શકે છે. એટલું જ નહીં મોટા-મોટા ઋષિઓ નર્મદાના કિનારે તપસ્યા કરતાં હોય છે.
- તમારામાંથી બહુ ઓછાને ખબર હશે નર્મદાનું એક નામ ચિરકુંવારી છે. આ પાછળની માન્યતા એવી છે કે એક વખત ગુસ્સામાં આવીને નર્મદાએ પોતાની દિશા બદલી લીધી અને એકલા જ વહેવાનો નિર્ણય કર્યો. આજે પણ તે અન્ય નદીઓની તુલનામાં વિપરિત દિશામાં વહે છે. એમના આ અખંડ નિર્ણયને લીધે જ એમને ચિરકુંવારી કહેવામાં આવે છે. અહીં અમે તમને નર્મદા નદી સાથે સંકળાયેલા કેટલાક તથ્યો જણાવવાના છીએ, જે તમારામાંથી બહુ ઓછાને ખબર હશે.
- પુરાણોમાં કહેવાયુ છે કે એમનો જન્મ 12 વર્ષની કન્યા તરીકે થયો હતો. સમુદ્ર મંથન વખતે ભગવાન શિવના પરસેવાનું એક ટીપું ધરતી પર પડ્યું અને એમાંથી જ મા નર્મદા પ્રગટ થયા. તેથી જ તેમને શિવસુતા પણ કહેવામાં આવે છે.
- ચિરકુંવારી મા નર્મદા વિશે કહેવાય છે કે એમને લાંબા સમય સુધી સંસારમાં રહેવાનું વરદાન મળ્યું છે. એવો ઉલ્લેખ પણ છે શંકર ભગવાને એમને વરદાન આપ્યું હતું કે પ્રલયકાળમાં પણ તારો અંત નહી થાય. તમારા પવિત્ર પાણીથી તમે યુગોયુગો સુધી આ સમસ્ત સંસારનું કલ્યાણ કરશો.
- મધ્ય પ્રદેશના સુંદર સ્થળ અમરકંટક અનૂપપુરમાં મા નર્મદાનું ઉદગમ સ્થળ છે. ત્યાંથી એક નાનકડી ધારાથી શરૂ થતો એમનો પ્રવાહ આગળ જતાં વિશાળ રૂપ ધારણ કરી લે છે.
- આ સ્થાન અદ્ભુત દ્રશ્યો માટે પણ જાણીતુ છે. આ સ્થળે આજે પણ મા રેવાનો વિવાહ મંડપ જોવા મળે છે. પુરાણોમાં કહેવાયુ છે કે એમણે પોતાના પ્રેમી સોનભદ્ર પર ગુસ્સે થઇને જ ઉંધા વહેવાનો નિર્ણય કર્યો હતો અને પોતાની દિશા બદલી નાંખી.
- એ પછી તો સોનભદ્ર અને સખી જોહિલાએ મા નર્મદાની ઘણી માફી માગી પરંતુ ત્યાં સુધીમાં તો નર્મદા ઘણે દૂર સુધી વહી ચૂકી હતી. પોતાની સખીનો વિશ્વાસ તોડવાને લીધે જ જોહિલાને પૂજનીય નદીઓમાં સ્થાન નથી આપવામાં આવ્યું. સોન નદી કે નદ સોનભદ્રનું ઉદગમ સ્થાન પણ અમરકંટક જ છે.
- આમ તો નર્મદા નદીને લઇને ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે જે કોઈ સાચા મનથી એમની પૂજા અને દર્શન કરે છે. તેમને જીવનમાં એકવાર મા નર્મદા ચોક્કસ દર્શન આપે છે.
- જેમ ગંગા સ્નાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે, તે જ રીતે નર્મદાના દર્શનમાત્રથી મનુષ્યના કષ્ટોનું સમાધાન થઇ જાય છે.
- અન્ય નદીઓથી વિપરીત નર્મદામાંથી નીકળેલા પથ્થરોને શિવનું રૂપ માનવામાં આવે છે. એટલું જ નહીં તે સ્વયં પ્રાણપ્રતિષ્ઠિત હોવાથી તેમની પ્રાણપ્રતિષ્ઠા કરવાની જરૂર હોતી નથી, તેથી દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ નર્મદા નદીમાંથી નીકળેલા પથ્થરના શિવલિંગને સૌથી વધુ પૂજવામાં આવે છે.
- એવું પણ કહેવાય છે કે ગંગા સ્વયં દરવર્ષે નર્મદાને મળવા અને સ્નાન કરવા આવે છે. મા નર્મદાને મા ગંગા કરતા પણ વધારે પવિત્ર માનવામાં આવતા હોવાથી જ દરવર્ષે ગંગાજી પોતે સ્વયંને પવિત્ર કરવા નર્મદા પાસે આવે છે. આ દિવસ ગંગા દશહરા હોવાનું માનવામાં આવે છે.