Get The App

ચાર ચોપડી ભણેલા સોમાભાઇને પશુ સારવારની દેશી દવા માટે 'પેટન્ટ' મળી, ફ્રીમાં કરે છે ઈલાજ

ત્રણ પેઢીથી સોમાભાઇનો પરિવાર વનસ્પતિમાંથી દવા બનાવીને પશુઓની નિઃશુલ્ક સારવાર કરે છે, 100 વર્ષ જૂની સારવાર પધ્ધતિને પેટન્ટ મળ્યા

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ચાર ચોપડી ભણેલા સોમાભાઇને પશુ સારવારની દેશી દવા માટે 'પેટન્ટ' મળી, ફ્રીમાં કરે છે ઈલાજ 1 - image


વડોદરા : ભારત દેશ જ્ઞાાનનો ભંડાર છે. અહી સદીઓથી જ્ઞાાનની ઉપાસના થતી આવી છે.જ્ઞાાન ઉપર માત્ર ભણેલા કે શિક્ષિત લોકોનો જ ઇજારો છે એવુ નથી. જેને લોકો અશિક્ષિત કે અભણ કહે છે એવા લોકો પાસે પણ એવુ જ્ઞાાન હોય છે જે વૈજ્ઞાાનિકો પાસે પણ નથી હોતું. આ જ્ઞાાન પેઢી દર પેઢી વારસામાં મળેલુ હોય છે. આવો જ એક કિસ્સો છે પંચમહાલ જિલ્લાના ભેંસાલ ગામના સોમાભાઇ ધૂળાભાઇ પરમારનો.

માત્ર ચાર ચોપડી ભણેલા 73 વર્ષના સોમાભાઇને ભારત સરકારે 'પશુ ચિકિત્સા' ક્ષેત્રમાં 'પેટન્ટ' આપી છે. સામાન્ય રીતે વિશ્વવિદ્યાલયો અને વિજ્ઞાાન તથા ટેકનોલોજી સંસ્થાનના ઉચ્ચ શિક્ષિત સંશોધકોને 'પેટન્ટ' મળતી હોય છે. પણ 'પેટન્ટ' એટલે શું તેની પણ જેમને ખબર નથી એવા સોમાભાઇને 'પેટન્ટ' કઇ બાબતમાં મળી તે અંગે અમે સોમાભાઇનો સંપર્ક કરીને સઘળી માહિતી મેળવી હતી.

સોમાભાઇએ કહ્યું હતું કે 'હું તો ચાર ધોરણ સુધી ભણેલો છું. બે પુત્રો અને એક પુત્રી મળીને 7 સભ્યોનો પરિવાર છે. મારા દાદા લક્ષ્મીદાસ ભગવાનદાસ ૧૦૦ વર્ષ પહેલા ખેતરના સેઢે ઊગતી વનસ્પતિમાંથી દવા બનાવીને તેનાથી પશુઓની સારવાર કરતા હતા. પછી મારા પિતાજી ધૂળાભાઇ પણ આ કામ કરતા હતા. હું પણ છેલ્લા 40 વર્ષથી દેશી દવા બનાવીને પશુઓની વિના મૂલ્યે સારવાર કરું છું.'

'બીલીપત્રના વૃક્ષના પાંદડા, છાલ અને ફળ, ઝેઝી નામની વનસ્પતિના પાંદડા, રગતરોડના પાંદડા, ત્રણપાંખીનો વેલો, કોઠંબાના પાંદડા, દેશી ઘી અને પાણીનું મિશ્રણ કરીને દેશી દવા બનાવું છે. આ દવા એવી છે કે પશુઓને મોટાભાગની બીમારીથી રાહત આપે છે.'

ગુજરાત અને રાજસ્થાનનાં ગામડાઓ અને શહેરોમાં જઇને પશુઓનો નિઃશુલ્ક ઇલાજ કરે છે

સોમાભાઈ દેશી દવા થકી પશુઓની સારવારનું કામ સેવા તરીકે ગણે છે એટલે તેઓ આ કામ વિના મૂલ્યે કરે છે. પશુઓને કયા પ્રકારની તકલીફ છે તેનું નિરીક્ષણ કરી પછી અલગ અલગ વનસ્પતિનો ઉપયોગ કરીને દવા બનાવીને સારવાર કરે છે. 

પશુઓ લોખંડની ચીજવસ્તુઓ ખાઈ ગયા હોય તો તેની દવા, પશુને આફરો ચઢવો એટલે કે શરીર ફૂલી જવું તો તેની અલગ દવા, પશુને જાનવર કરડી જાય અથવા પાઠાની તકલીફ થાય, કમળો થાય,પેટની તકલીફ જેવી અનેક તકલીફાની દવા સોમાભાઇ પાસે છે. દવા બનાવી જ્યાં પણ જવાનું થાય ત્યાં જઈને પશુઓની સારવાર કરે છે.

ચાર ચોપડી ભણેલા સોમાભાઇને પશુ સારવારની દેશી દવા માટે 'પેટન્ટ' મળી, ફ્રીમાં કરે છે ઈલાજ 2 - image
ખેતરમાંથી વનસ્પતિ અને જડીબુટ્ટીઓ એકઠા કરતા સોમાભાઇ

પશુઓની મોટાભાગની બીમારીનો ઇલાજ તેમની પાસે છે, પશુ સારવારને તેઓ સેવા ગણે છે

માત્ર શહેરા તાલુકામાં જ નહી, પણ પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતના અલગ અલગ ગામો તેમજ શહેરોમાં જઈ પશુઓની સારવાર કરે છે.ઘણી વખત તેઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ પશુઓની સારવાર કરવા જાય છે.  સોમાભાઈએ કહ્યું હતું કે જ્યાં પણ જવાનું થાય ત્યાં નિઃસ્વાર્થ ભાવે વિના મૂલ્યે પશુઓની સારવાર માટે જઉ છું, જો દૂર જવાનું થાય તો જે પશુપાલકનું પશુ હોય તે આવવા જવા માટેનું ભાડું આપતા હોય છે. અન્ય દવા કે સારવારનો કોઈ ચાર્જ લેતો નથી.

સંશોધનો પ્રત્યે સરકારનું ઉદાસ વલણ : સોમાભાઇ તો ભૂલી ગયા હતા કે અરજી કરી છે કેમ કે અરજીના 13 વર્ષ બાદ પેટન્ટ મળી

સોમાભાઇ તમને પેટન્ટ મળી છે તેના અભિનંદન.... આ અભિવાદન સાંભળીને સોમાભાઇ એટલે ખુશ થઇ ગયા કે તેમને લાગ્યુ કે સરકારે કોઇ સહાય જાહેર કરી છે. અમે જ્યારે બે વખત કહ્યું કે સહાય નહી તમને પેટન્ટ મળી છે. ત્યારે સોમાભાઇએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે પેટન્ટ એટલે શું ? અમે તેઓને કહ્યું કે તમે જડીબુટ્ટીઓથી પશુઓની સારવાર કરો છો ?

ત્યારે તેઓને યાદ આવ્યું કે હા, એ તો બાપદાદાના વખતથી કરીએ છીએ. મને તો યાદ પણ નથી. બાર પંદર વર્ષ પહેલા કોઇ સરકારી અધિકારી ફોર્મ ભરી ગયા હતા, પછી શું થયું તેની જાણકારી અમને નથી મળી. 

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રિ એન્ડ ઇન્ટરનલ ટ્રેડની વેબસાઇટ ઇન્ડિયન પેટન્ટ એડવાન્સ સર્ચ સિસ્ટમમાં આપેલી માહિતી મુજબ સોમાભાઇ ધુળાભાઇ પરમારના નામે 31 માર્ચ 2011ના રોજ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધનની પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી. તેઓને હવે 13 વર્ષ બાદ 23 જુન 2024ના રોજ પેટન્ટ મળી છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે ભારત સરકાર વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રે કેટલું ઉદાસ વલણ ધરાવે છે.

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં  952 પેટન્ટ રજિસ્ટર્ડ થયા 

ગુજરાતમાં છેલ્લા ચાર જ વર્ષમાં 952 પેટન્ટ ગુજરાતના સંશોધકોને મળી છે. પેટન્ટ મેળવવામાં અમદાવાદ બાદ વડોદરા બીજા ક્રમે છે. વડોદરાના સંશોધકોને મળેલી પેટન્ટનો આંક જોઇએ તો વર્ષ 2020માં 62, 2021માં 44, 2022માં 36, 2023માં 4 પેટન્ટ મળી છે.  એ જ પ્રકારે અમદાવાદમાં વર્ષ 2022માં 122, 2021માં 113, 2022માં 117, 2023માં 20 પેટન્ટ સંશોધકોને આપવામાં આવી છે. આમ ગુજરાતમાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન નોંધાયેલી પેટન્ટની સંખ્યા જોઇએ તો અનુક્રમે 266, 237, 200 અને 49 પેટન્ટ આપવામાં આવી છે. આ ચાર વર્ષમાં ગુજરાતના કુલ 952 સંશોધનોને પેટન્ટ મળી છે.  ગુજરાતમાં રસાયણ, દવા, મિકેનિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ્સ, કોમ્પ્યુટર સાયન્સ જેવા ક્ષેત્રોમાં સંશોધનો થઇ રહ્યા છે. 


Google NewsGoogle News