mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ટેકનિકલ ક્ષતિને લીધે સોલાર રૂફટોપ યોજના માત્ર નામની

Updated: Jun 24th, 2024

ટેકનિકલ ક્ષતિને લીધે સોલાર રૂફટોપ યોજના માત્ર નામની 1 - image


પોરબંદરમાં સંખ્યાબંધ અરજીઓ હજુ પણ પેન્ડિંગ : સર્વર ડાઊન હોવાથી ક્વોટેશન નીકળતું નથી, ટી.સી.ની મર્યાદાને લીધે અનેક વિસ્તારોમાં રાતે ખોરવાતો વીજ પુરવઠો

પોરબંદર, : વડાપ્રધાન અને મુખ્યમંત્રી લોકોને વિનામૂલ્યે વીજળી મળી તે માટે સોલાર રૂફટોપ યોજનાનો મહત્તમ લાભ લેવા સૂચવે છે તો બીજી બાજુ ખુદ તંત્રમાં જ અનેક પ્રકારની બેદરકારી અને ટેકનિકલ અડચણો આવતી હોવાથી પોરબંદરમાં સંખ્યાબંધ લોકોએ અરજી આપી હોવા છતા તેમને સોલાર રૂફટોપનો લાભ મળતો નથી.

પોરબંદરમાં અને રાજ્ય કક્ષાએ જુદા જુદા પ્રકારની ટેકનિકલ ક્ષતિઓના કારણે પોરબંદરના ઘણા લોકોને લાભ મળી શકતો નથી. સૌપ્રથમ સોલાર ફીટ કરાવવા માટે પી.જી.વી.સી.એલ.માં રજિસ્ટ્રેશન થાય છે ત્યારબાદ સોલાર રૂફટોપની કોઇ કંપની પસંદ કરવાની હોય છે. જે તે કંપનીનું નામ પસંદ કરીને ગ્રાહક દ્વારા દસ્તાવેજ આપવામાં આવે છે પછી પી.જી.વી.સી.એલ. દ્વારા મીટર માટેનું કવોટેશન આપવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે સર્વર ડાઉન અને ટેકનિકલ ક્ષતિઓના લીધે કવોટેશન નીકળતુ નથી અને તેના કારણે જે-તે કંપની ઇચ્છે તો પણ આગળની કાર્યવાહી કરી શકતી નથી.

જો કવોટેશન અપાઇ ગયુ હોય તો પણ મહત્વનો પ્રશ્ન ટી.સી.નો આવે છે. જે તે વિસ્તારમાં અરજીઓ થઇ હોય ત્યાંના ટી.સી.ની કેપેસીટી તપાસવામાં આવે છે. જો ટી.સી.ની ૨૫ સોલારની કેપેસીટી હોય અને ત્યાં એ વિસ્તારમાં ૫૦ જેટલી અરજીઓ આવી હોય તો સ્વાભાવિક રીતે ઓવર પાવર જનરેટ થાય છે અને તેના કારણે બધાને તેનો લાભ મળી શકતો નથી તેથી વીજળીની અનેક સમસ્યાઓ ઉભી થાય છે. પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર, રાજીવનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર વીજળી ગુલ થવાનો પ્રશ્ન ગંભીર બન્યો છે તેની પાછળનું કારણ પર સોલાર છે કારણકે દિવસે સોલાર પાવર મળે છે પણ રાત્રે પાવર જનરેટ થતો નથી અને તેનો ડબલ લોડ ટી.સી. ઉપર આવે છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ સમસ્યા ગંભીર બની છે.

ઉપરોક્ત પ્રશ્નો બાબતે રાજ્યસરકારનું ધ્યાન દોરીને પોરબંદરના સામાજિક અગ્રણી લાખણશીભાઇ ગોરાણીયાએ આ મુદ્દે રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર કક્ષાએથી ટેકનિકલ ક્ષતિ દૂર થાય તે પણ જરૂરી છે અને સ્થાનિક લેવલે ટી.સી. અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તે માટે ટી.સી.ની કેપેસીટી વધારવા પણ સરકારને રજૂઆત કરી છે.

Gujarat