ગુજરાતમાં વધુ એક નકલી અધિકારી અંગે મોટો ઘટસ્ફોટ, સોજીત્રાની નિશા વ્હોરા સ્વઘોષિત DySP હોવાનો દાવો
DySp Nisha Vahora News : રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડૉક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે DySP હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. જે મુદ્દે રાજ્યના એક વિદ્યાર્થી નેતાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી.
છેલ્લા 5 વર્ષના પરિણામો તપાસ્યા
ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો છે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં DySP તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.
મુખ્યમંત્રી અને ધારાસભ્ય સાથે ફોટા
નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી DySP બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે.
વિવિધ માધ્યમોમાં સંઘર્ષની કહાની પ્રકાશિત થઇ
નિશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા. જેમાં નિશાની સંઘર્ષની કહાની રજૂ કરાઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ નિશા વ્હોરાને DySP તરીકે ગાંધીનગર ખાતે નિમણૂંક થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત એક કિસ્સામાં નિશાના પિતાએ તેમની દીકરી DySP તરીકે Cyber Crime Cell અમદાવાદ ખાતે ફરજ બજાવે છે તેવું પણ જણાવ્યું હતું.
નિશા વ્હોરા UPSCની તૈયારી કરતી હોવાનો દાવો
એક અહેવાલમાં નિશા વ્હોરા GPSC કલાસ 3 માં પાસ થવાના સમાચાર હતા. જેમાં નિશા પોતે IPS બની દેશ સેવા કરવા UPSCની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે. દાવો કરાયો છે કે સોજીત્રાની નિશાબેન સલીમભાઈ વ્હોરાએ જામિયા હાઈસ્કુલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું, જ્યાર બાદ GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. અને કોઈ પણ કલાસીસ કર્યા વિના તેણે આપબળે સફળતા મેળવી હતી. આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે. અને GPSCની વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો હતો.
નિશા લોકોને સફળતાનો મંત્ર આપતી
નિશા વ્હોરાએ જે તે સમયે કહ્યું હતું કે 'સફળતા માટે મહેનત અને સમર્પણ બન્ને જોઈએ. તે કોઈ જ ક્લાસિસ જોઈન કર્યા વિના આપબળે UPSCની પરીક્ષાની તૈયારીઓ માટે પ્રશ્નપત્રો સોલ્વ કરી રહી છે. અને 12 -12 કલાકની સખત મહેનત કરી રહી છે. વધુમાં પોતાને માર્ગદર્શન આપનાર અન્ય આઈ.એ.એસ. અધિકારીઓના સંપર્કમાં હોવાનો પણ દાવો કર્યો હતો.
શું કહ્યું આણંદ DSPએ?
નિશા વ્હોરા બોગસ અધિકારી હોવાનો સોશિયલ મીડિયા પર દાવો કરતા તે અંગે અમે ખરાઈ કરવાનો પણ પ્રયાસ કર્યો. જે માટે નિશાના વતન એવા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી સાથે વાત કરી હતી. ગુજરાત સમાચાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે 'આ બાબતે જાણકારી મુજબ તથ્યો તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે'.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCPએ શું કહ્યું?
નિશાએ પોતે અમદાવાદ સાયબર ક્રાઈમમાં DYSP હોવાનો દાવો કર્યો હોવાથી અમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP અજીત રાજીયાણ સાથે પણ વાત કરી, ગુજરાત સમાચાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'આવા કોઈ અધિકારી અમારા વિભાગમાં નથી, અને આ એક સ્કેમ પોસ્ટ લાગે છે'.
નિશા વ્હોરાનો ફોન સ્વિચ ઓફ
આ તમામ આક્ષેપ બાબતે ગુજરાત સમાચારે નિશા વ્હોરાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, કે જેથી તેનો પક્ષ જાણી શકાય, પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવે છે.