આણંદમાં અત્યાર સુધી 45,754 હેક્ટરમાં તમાકુનું વાવેતર
- સોનેરી પાનના પ્રદેશ તરીકે ઓળખાતું ચરોતર તમાકુના ઉત્પાદનમાં મોખરે
- પેટલાદ તાલુકામાં કલકત્તી જ્યારે બોરસદ અને કાંઠાગાળામાં કાળિયા તમાકુનું વધુ વાવેતર પ્રતિ હજાર છોડના રૂ.૮૦૦ ભાવ છતાં ધરૂવાડિયાની ખરીદી માટે ખેડૂતોમાં દોડધામ
ચરોતરની જમીન અને આબોહવા તમાકુના પાક માટે માફકસરની હોવાના કારણે તમાકુનું વધુ ઉત્પાદન થાય છે. ચરોતરમાં તમાકુના પાકનું બે ભાગમાં વાવેતર કરવામાં આવે છે. પહેલા ભાગમાં મઘા નક્ષત્ર એટલે કે, ઓગસ્ટ મહિનામાં ખેડા અને આણંદ જિલ્લામાં ૬૦ ટકાથી વધુ તમાકુના પાકનું વાવેતર થઈ જતું હોય છે. કેટલાક ખેડૂતો તમાકુનો પાક લેવા માટે ઉનાળુ પાક લેતા નથી. જેથી જુલાઈના અંતમાં તમાકુના ધરૂવાડિયાનું વાવેતર કરી દેવામાં આવે છે. જ્યારે બીજા ભાગમાં બંને જિલ્લામાં ચોમાસામાં ડાંગરનો પાક લીધા બાદ તમાકુની રોપણી કરાતી હોય છે.
ચાલુ વર્ષે આણંદ અને ખેડા જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં વરસેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ધરૂવાડિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિણામે પ્રતિ એક હજાર છોડનો ભાવ રૂ.૮૦૦એ પહોંચ્યો હતો. છેલ્લા ૪૦ વર્ષમાં ધરૂવાડિયાના સૌથી વધુ ભાવો બોલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.
આણંદના પેટલાદ તાલુકામાં મોટાપ્રમાણમાં કલકત્તી તમાકુ અને બોરસદ તથા કાંઠાગાળામાં કાળિયું તમાકુનું વાવેતર થાય છે. આ બંને તમાકુને વધુ ઠંડી માફક હોય છે. આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે નવેમ્બર મહિનાના અંત સુધીમાં આણંદ જિલ્લામાં ૪૫,૭૫૪ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે.
ચરોતરમાં ગત વર્ષે દેશી તમાકુનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ રૂ. ૧,૨૦૦થી વધુ રહ્યો હતો. તેમજ કલકત્તીનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ રૂ.૧,૪૦૦થી વધુ રહ્યો હતો. હાલમાં આણંદ જિલ્લામાં કલકત્તી તમાકુનો અંદાજે પ્રતિ ૨૦ કિલો રૂ.૩ હજાર ભાવ હોવા છતાં ખેડૂતો પાસેથી ગત વર્ષની જૂની તમાકુ મળતી નથી. માર્ચ મહિના બાદ તમાકુની નવી આવક થતી હોવાથી ભાવમાં વધારો થવાની શક્યતા વેપારીઓમાં સેવાઈ રહી છે. જેને પગલે તમાકુનું વધુ ઉત્પાદન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
70 હજારથી વધુ હેક્ટરમાં તમાકુના વાવેતરની શક્યતા
ચરોતર તમાકુ વ્યાપારી એસોસિએશનના પ્રમુખ પ્રદીપ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં તમાકુની વધુ રહેલી માંગના કારણે ચાલુ વર્ષે અત્યારસુધીમાં મળેલા ભાવોનો રેકોર્ડ તૂટવાની શક્યતા છે. તથા ૭૦ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં તમાકુના વાવેતરની સંભાવનાઓ જોવા મળી રહી છે.
17 મી સદીમાં તમાકુનું ભારતમાં આગમન થયું
ભારતમાં ૧૭મી સદીની પ્રારંભે પોર્ટુગીઝ પ્રજા દ્વારા તમાકુનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ખેડા અને મહેસાણા જિલ્લાના વિસ્તારમાં તમાકુના પાકનું વાવેતર કરાયું હતું. ત્યારબાદ દેશના અન્ય વિસ્તારોમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ખેતરો તૈયાર હોવાથી વધુ ભાવ આપીને પણ ધરૂ લાવી રોપણી કરાય છે
બોરસદના પામોલના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ચરોતરમાં ગુજરાત-૫૩, ગુજરાત-૪ અને ગુજરાત-૪૨૮ ધરૂ ખેડૂતોની પ્રથમ પસંદગી છે. હાલમાં ધરૂવાડિયા બગડી જવાના કારણે ધરૂનો ભાવ પ્રતિ હજાર છોડે રૂ. ૮૦૦થી વધુ બોલાઈ રહ્યો છે. આગામી સમયમાં હજૂ ભાવમાં વધારો થવાની શક્યતાને પગલે, ખેતરો તૈયાર હોવાથી, ખેડૂતો વધુ ભાવ આપીને પણ તમાકુનું ધરૂ લાવી રોપણી કરી રહ્યા છે.