રાહદારી મહિલાને લીફ્ટના બહાને ચેઇન સ્નેચીંગ કરતો સુરતનો ગુનેગાર 11 વર્ષે રાજકોટથી પકડાયો
ફ્લેટ ખરીદારના સ્વાંગમાં : પોલીસથી બચવા રાજકોટમાં સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, હાલમાં ગાડી લે-વેચનો ધંધો કરતા સ્નેચરે બોગસ નામે આધારકાર્ડ પણ બનાવ્યું હતુ: સ્નેચરને ગંધ આવી જતા પુત્ર બિમાર હોવા છતા ઘરે આવતો ન હતો: ગેલેરીમાં ફ્લેટ વેચવાનું બેનર હોવાથી તેના આધારે છટકું ગોઠવી મેળવી સુરત પોલીસની સફળતા
સુરત, રાજકોટ : સુરતના રાંદેર અને પાંડેસરા વિસ્તારમાં મહિલાને લીફ્ટ આપ્યા બાદ એકલતાનો લાભ લઇ ચેઇન સ્નેચીંગ કરતા રીઢા ગુનેગારને રાંદેર પોલીસે ૧૧ વર્ષ બાદ રાજકોટ ખાતેથી ઝડપી પાડયો છે. પોલીસથી બચવા ગુનાખોરી છોડી ગાડી લે-વેચનો ધંધો કરવાની સાથે આધારકાર્ડ પણ બોગસ નામે બનાવનારને ઘર ખરીદવાના બહાને પગેરૂ મેળવવામાં સફળતા મેળવી હતી.
રાંદેર પોલીસના હે. કો. કિરીટસિંહ રામસંગ અને પો. કો. કનકસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે રાજકોટના આઝાદ ચોક નજીક વિશાલ એપાર્ટમેન્ટમાં પત્ની અને પુત્ર સાથે રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો ઉર્ફે જય જોરસીંગ રાઠોડ (ઉ.વ. ૩૯ રહે. રિવરપાર્ક સોસાયટી, સિંગણપોર) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે રાંદેર અને પાંડેસરા વિસ્તારમાં રાહદારી મહિલાઓને લીફ્ટ આપ્યા બાદ રસ્તામાં સુમસામ ઠેકાણે એકલતાનો લાભ લઇ ચેઇન સ્નેચીંગ કરતો જીગ્નેશ રીઢો ગુનેગાર છે અને અગાઉ અડાજણ, ચોકબજાર સહિતના પોલીસ સ્ટેશનમાં ઝડપાય ચુકયો છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસના ચોપડે વોન્ટેડ જીગ્નેશ ઉર્ફે જીગો સુરત છોડી ભાગી જતા તેનું પગેરૂ મેળવવું પોલીસ માટે પડકારરૂપ બન્યું હતું. પરંતુ પોલીસે તેના સહઆરોપીની મદદથી કડી મેળવી રાજકોટમાં ધામા નાંખ્યા હતા અને તેની પત્નીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન ટ્રેસ કર્યુ હતું. જે અંતર્ગત પોલીસને જાણવા મળ્યું હતું કે પોલીસથી બચવા રાજકોટ ભાગી જનાર જીગ્નેશે સ્પાનો ધંધો ચાલુ કર્યો હતો અને હાલમાં ગાડી લે-વેચનો ધંધો કરે છે. ઉપરાંત તેણે જય જોરસીંગ રાઠોડ નામે બોગસ આધારકાર્ડ બનાવ્યું હતું. જો કે જીગ્નેશને ગંધ આવી જતા તેનો પુત્ર બિમાર હોવા છતા ઘરે આવતો ન હતો પરંતુ તેના રહેણાંક ફ્લેટની ગેલેરીમાં ફ્લેટ વેચવાનો હોવાનું બેનર હોવાથી ખરીદારના સ્વાંગમાં પગેરૂ મેળવવામાં સફળતા મેળવી હતી