તહેવાર ટાંણે સ્નેચરો પણ સક્રિય : સિટીલાઇટ અને ઉધના-મગદલ્લા રોડ પર સ્નેચરો ત્રાટકયા, બે ચેઇન આંચકી
- પંદર મિનિટમાં બે સ્થળેથી કોલેજીયન અને રત્નકલાકારના ગળામાંથી રૂ. 50 હજાર રૂ. 61,500 ની ચેઇન તોડી ફરાર
સુરત
શહેરમાં સક્રિય થયેલા ચેઇન સ્નેચરોએ સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર નજીક કોલેજીયનના ગળામાંથી રૂ. 50 હજાર અને ઉધના-મગદલ્લા રોડ પર નવજીનવ સર્કલ પાસે ચાલુ બાઇકે રત્નકલાકારના ગળામાંથી રૂ. 63,100 ની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. માત્ર પંદર મિનીટમાં બે ઠેકાણે ત્રાટકેલા સ્નેચરોનું પગેરૂ મેળવવામાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે.
શહેરમાં પુનઃ સક્રિય થયેલા ચેઇન સ્નેચરો ચાર દિવસ અગાઉ સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે ત્રાટકયા હતા. ભાગળ સ્થિત પારસી શેરીમાં રહેતો કોલેજીયન રૂષિક હેમંતકુમાર રંગરેજ (ઉ.વ. 23) રાત્રે 9 વાગ્યાના અરસામાં બાઇક પર સિટીલાઇટથી અણુવ્રત દ્વાર તરફ જઇ રહ્યો હતો. ત્યારે બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ રૂષિકના ગળામાંથી સોનાની 2 તોલા વજનની ચેઇન કિંમત રૂ. 50 હજારની આંચકીને ભાગી ગયા હતા. રૂષિકને નિશાન બનાવ્યાની માત્ર પંદર મિનીટમાં સ્નેચરો ઉધના-મગદલ્લા રોડ પર ત્રાટકયા હતા. ડાયમંડમાં નોકરી કરતો તેજસ રાજેન્દ્ર રાણા (ઉ.વ. 28 રહે. પુષ્પાનગર સોસાયટી, ભાઠેના) અને પ્રતીક રાણા ઘરેથી નીકળી મોપેડ પર ઉધના-મગદલ્લા રોડ નવજીવન સર્કલ તરફ જઇ રહ્યા હતા. ત્યારે જોગાણી માતાના મંદિરથી નવજીવન સર્કલ વચ્ચે પલસર બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ ચાલુ મોપેડ પર તેજસના ગળામાંથી સોનાના પેન્ડલ સહિતની ચેઇન કિંમત રૂ. 63,100 ની આંચકીને ભાગી ગયા હતા. માત્ર પંદર મિનીટમાં બે ઠેકાણે ત્રાટકેલા સ્નેચરો વિરૂધ્ધ ઉમરા અને ખટોદરા પોલીસે ફરીયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.