જામનગરના જગા ગામમાં રામાપીરના મંદિરમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા : રૂ.30,000 ના ચાંદીના આભૂષણોની ચોરી
Jamnagar Theft Case : જામનગર તાલુકાના જગા ગામમાં આવેલા રામાપીરના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચાંદીના છતર અને ચાંદીના પગલાં સહિત રૂપિયા 30,000 ના આભૂષણની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. તસ્કરોએ દાનપેટીને ઉઠાવી જઇ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તૂટી ન હોવાથી મંદિરની પાછળ ફેંકીને ચાલ્યા ગયા હતા. જે તસ્કરોને પોલીસ શોધી રહી છે.
જામનગર તાલુકાના નાના એવા જગા ગામમાં ભારે ચકચાર જગાવનારા ચોરીના આ બનાવની વિગત એવી છે કે જગા ગામમાં રામાપીરનું મંદિર આવેલું છે, જે મંદિરમાં પરમદિને રાત્રિના સમયે કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને મંદિરનું તાળું તોડી અંદરથી ચાંદીના બે છત્તર તેમજ બે પગલાં સહિત રૂપિયા 30,000 ની માલમતાની ચોરી કરી ગયા હતા. જે બનાવ અંગે મંદિરમાં સેવા પૂજા કરતા રમેશભાઈ નાથાભાઈ મોલિયાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પ્રોબેશનલ પી.એસ.આઇ. એ.આર.પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસ શરૂ કરી હતી.
તસ્કરોએ ચાંદીના આભૂષણો ઉપરાંત મંદિરમાંથી દાન પેટી પણ ઉઠાવી લીધી હતી. જેને મંદિરના પાછળમાં ભાગમાં લઈ ગયા પછી તેના પર પથ્થર- બેલા વગેરે ફટકારીને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દાન પેટી અથવા તેનું તાળું તૂટ્યું ન હોવાથી જે તે પરિસ્થિતિમાં જ મૂકીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. જે દાન પેટી કબજે કરી લેવામાં આવી છે, અને તેમાં રહેલી પરચુરણ રકમ બચી ગઈ છે.