આરઓ પ્લાન્ટમાંથી તસ્કરો મશીનરી સહિત 1.20 લાખની મત્તા ચોરી ગયા
- પીપલગ ચોકડી ને.હા. નં.- 48 પર આવેલા
- જાળી તોડી પ્રવેશી બોટલો બનાવવાની ડાઈ, કોમ્પ્રેશરની મોટર ચોરતા ચાર શખ્સો સીસીટીવીમાં કેદ
નડિયાદ : પીપલગ ચોકડી ને.હા. નં.-૪૮ પર આવેલા આરઓ પ્લાન્ટમાં ચાર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બોટલો બનાવવાની ડાઈ, કોમ્પ્રેસરની મોટર સહિત રૂ.૧,૨૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા. આ બનાવ અંગે પ્લાન્ટના પાર્ટનરે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ ઇન્દિરા ગાંધી રોડ આટ્રેય સોસાયટીમાં રહેતા નચિકેત હર્ષદભાઈ ઉપાધ્યાય સંતરામ આંખની હોસ્પિટલમાં નોકરી કરે છે. ઉપરાંત તેઓ પીપલગ ચોકડી નજીક નેશનલ હાઈવે પર આવેલા આરઓ પ્લાન્ટમાં પાર્ટનરશીપમાં ધંધો કરે છે. તા.૬/૧૨/૨૪ના રાત્રીના સમયે ૧૧થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન કોઈ તસ્કરો આરઓ પ્લાન્ટની લોખંડની જાળી તોડી અંદરના કાચ તોડી પ્રવેશ્યા હતા. અજાણ્યા તસ્કરો સોફા સેટ ખસેડી ટેબલ તેમજ કબાટના ડ્રોવર ખોલી બ્લોઈંગ મશીનની સોડા વોટર તેમજ પાણીની બોટલ બનાવવાની ડાઈ, પાંચ લીટર જાર બનાવવાના સિલિન્ડર તેમજ ફીલિંગ મશીનની કોમ્પ્રેશરની મોટર મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦ની મત્તા ચોરી ગયા હતા.
આ બનાવની જાણ થતાં નચીકેત ઉપાધ્યાયએ પાર્ટનર સાથે પ્લાન્ટમાં આવી સીસીટીવી ફૂટેજ જોતા ૪ અજાણ્યા ઇસમો ચોરી કરવા આવેલા જોવા મળ્યા હતા. આ બનાવ અંગે ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.